ત્રણ મહિનાથી ઈરાનમાં ફસાયેલું જહાજ 'દિશા' આખરે ગુજરાતના પોર્ટ પર પહોંચ્યું, સરકારે લીધો રાહતનો શ્વાસ!

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે ભારતના ઊર્જા ક્ષેત્ર માટે ખૂબ જ મહત્ત્વના અને રાહતના સમાચાર આવ્યા છે. લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) લઈને આવી રહેલું વિશાળ દરિયાઈ જહાજ 'દિશા' સફળતાપૂર્વક ગુજરાતના ભરૂચ જિલ્લામાં આવેલા દહેજ પોર્ટ પર પહોંચી ગયું છે. વ્યૂહાત્મક રીતે વિશ્વના સૌથી સંવેદનશીલ ગણાતા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' દરિયાઈ માર્ગને પાર કરીને આ ટેન્કર શુક્રવારે સવારે આશરે 7:32 વાગ્યે દહેજ ટર્મિનલ પર લાંગર્યું છે. વેસલ ટ્રેકિંગ ડેટાના આધારે આ મહત્ત્વની માહિતી સામે આવી છે.
કતારથી ભરાયો હતો જથ્થો, 3 મહિના સુધી ખાડી વિસ્તારમાં અટવાયું જહાજ
આ એલએનજી કાર્ગો કતારના પ્રખ્યાત 'રાસ લફાન એલએનજી ટર્મિનલ' પરથી લોડ કરવામાં આવ્યું હતું. આ જહાજમાં 62,370 મેટ્રિક ટન જેટલો એલએનજીનો જંગી જથ્થો રહેલો છે. ઈરાન અને અમેરિકા વચ્ચે વેસ્ટ એશિયામાં સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિ અને ભૌગોલિક રાજકીય તણાવને કારણે આ જહાજ છેલ્લા ત્રણ મહિનાથી વધુ સમયથી ખાડી (Gulf) વિસ્તારમાં જ ઊભું રાખવામાં આવ્યું હતું. લાંબી પ્રતિક્ષા અને તમામ સુરક્ષા પાસાઓની ચકાસણી બાદ આખરે આ સફર સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.
શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને પેટ્રોનેટ LNG સાથે જોડાણ
આ દરિયાઈ જહાજ 'દિશા'નું સંચાલન શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (SCI)ની આગેવાની હેઠળના કન્સોર્ટિયમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ટેન્કરને 'પેટ્રોનેટ એલએનજી લિમિટેડ' (Petronet LNG Limited) માટે ચાર્ટર (ભાડે) કરવામાં આવ્યું છે. વૈશ્વિક ઊર્જા બજાર માટે હાલનો સમય અત્યંત નાજુક માનવામાં આવે છે, તેવા સમયે આટલા મોટા જથ્થા સાથે જહાજનું ભારત આવવું એ દેશની ઊર્જા સુરક્ષા માટે મોટી સફળતા છે.
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' કેમ છે આટલું મહત્ત્વનું?
જહાજ 'દિશા' એ જે માર્ગ પરથી પ્રવાસ ખેડ્યો છે તે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' વિશ્વમાં ઓઇલ અને ગેસના પરિવહન માટેનો સૌથી મહત્ત્વનો અને સંવેદનશીલ દરિયાઈ ચોકપોઇન્ટ (માર્ગ) ગણાય છે. આ વિસ્તારમાં સહેજ પણ અવરોધ ઊભો થાય તો વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલ અને ગેસની સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની ભીતિ રહે છે. આથી જ, ભારત આવતા આ જહાજની સુરક્ષિત સફર પર ઊર્જા ક્ષેત્રના તમામ હિતધારકોની નજર ટકેલી હતી.

