Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Russia captures Ukrainian city of Kupyansk? Army shares video

રશિયાએ યુક્રેનના કુપ્યાન્સ્ક શહેર પર કર્યો કબજો? સેનાએ શેર કર્યો વીડિયો

Timeછેલ્લું અપડેટ : 27 Dec 2025
લાઇવ ટીવીGoogle News
રશિયાએ યુક્રેનના કુપ્યાન્સ્ક શહેર પર કર્યો કબજો? સેનાએ શેર કર્યો વીડિયો
સોર્સ : google

રવિવારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર ઝેલેન્સ્કી વચ્ચેની બેઠક પહેલા પુતિનના દળોએ યુક્રેનનું બીજું શહેર કબજે કર્યું છે. સ્પુટનિક અનુસાર, રશિયન સંરક્ષણ મંત્રાલયે શનિવારે જાહેરાત કરી હતી કે પશ્ચિમી લશ્કરી જૂથની સંયુક્ત શસ્ત્ર દળ, 6ઠ્ઠી ગાર્ડ્સ આર્મીએ ખાર્કિવ પ્રદેશના મુખ્ય શહેર કુપ્યાન્સ્ક પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે. મંત્રાલય અનુસાર રશિયન સૈનિકો પોતાનો કબજો જાળવી રાખી શહેરમાં બાકી રહેલા યુક્રેનિયન દળોને સાફ કરવાનું ચાલુ રાખી રહ્યા છે.

App Store

યુક્રેનિયન સેનાની ઘૂસણખોરી નિષ્ફળ

રશિયન મંત્રાલયે જણાવ્યું હતું કે યુક્રેનિયન દળોએ છેલ્લા 24 કલાકમાં ત્રણ વખત કુપ્યાન્સ્કમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો, પરંતુ દરેક પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. રશિયન સૈનિકો ઇમારતો અને ભોંયરામાં છુપાયેલા છૂટાછવાયા યુક્રેનિયન જૂથોને ખતમ કરી રહ્યા છે. એક રશિયન કંપની કમાન્ડરે દાવો કર્યો હતો કે યુક્રેનિયન દળોના ફક્ત નાના જૂથો શહેરમાં ક્યાંક છુપાયેલા છે. જણાવી દઈએ કે કુપ્યાન્સ્ક એક વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ શહેર છે, જે મુખ્ય રેલ અને માર્ગ કેન્દ્ર તરીકે સેવા આપે છે.

 

રશિયાએ નવેમ્બર 2025 માં શહેર કબજે કરવાનો દાવો કર્યો હતો. રશિયન જનરલ વેલેરી ગેરાસિમોવે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને આ વાતની જાણ કરી હતી. સંરક્ષણ મંત્રાલયે 27મી મોટર રાઇફલ બ્રિગેડ અને 1486મી મોટર રાઇફલ રેજિમેન્ટને શહેરની "મુક્તિ" માટે શ્રેય આપ્યો હતો. જોકે, ડિસેમ્બરમાં પરિસ્થિતિ જટિલ બની ગઈ. સ્વતંત્ર વિશ્લેષકો અને કેટલાક રશિયન મિલબ્લોગર્સે અહેવાલ આપ્યો હતો કે, યુક્રેનિયન વળતા હુમલાથી રશિયન દળોને ભગાડવામાં આવ્યા હતા અને શહેરના મોટા ભાગો પરનો નિયંત્રણ ગુમાવી ચૂક્યું છે.

ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ સ્ટડી ઓફ વોર (ISW) ના અહેવાલો અનુસાર, યુક્રેનિયન દળો શહેરના ઉત્તર અને પશ્ચિમ ભાગોમાં આગળ વધી ઘણા વિસ્તારોને મુક્ત કર્યા હતા અને રશિયન સપ્લાય લાઇન કાપી નાખી હતી. ડિસેમ્બરના મધ્ય સુધીમાં યુક્રેનિયન દળોએ શહેરના 90% ભાગ પર નિયંત્રણનો દાવો કર્યો હતો, જ્યારે રશિયન સૈનિકો ઓસ્કિલ નદીના પૂર્વ કાંઠા સુધી મર્યાદિત રહ્યા હતા. પરંતુ હવે, રશિયાએ અચાનક શહેર પર સંપૂર્ણ નિયંત્રણનો દાવો કર્યો છે.

યુક્રેનિયન કમાન્ડે કુપ્યાન્સ્ક શહેરમાં સક્રિય લડાઈની પુષ્ટિ કરી પરંતુ સત્તાવાર રીતે વિગતવાર જણાવ્યું નથી. કેટલાક રિપોર્ટ મુજબ રશિયન દાવાઓ પ્રચારનો ભાગ છે. જ્યારે જમીની હકિકત પર લડાઈ ચાલુ છે. રશિયા-યુક્રેન યુદ્ધમાં ખાર્કિવ મોરચે વધતા તણાવ વચ્ચે આ દાવો કરવામાં આવ્યો છે. બંને પક્ષોના દાવાઓ વિરોધાભાસી છે. વિશ્લેષકો માને છે કે રશિયન મંત્રાલયનું તાજેતરનું નિવેદન પ્રચારનો પ્રયાસ હોઈ શકે છે, જ્યારે જમીન પર યુક્રેનિયન પ્રગતિ દેખાઈ રહી છે. યુદ્ધમાં આ અનિશ્ચિતતા પ્રદેશમાં માનવતાવાદી કટોકટીને વધુ વધારી રહી છે.