ટ્રમ્પ 2028 માટે તૈયાર? એક તસવીરથી ત્રીજી ટર્મની ચર્ચાએ પકડયું જોર

US Presidential Election: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર કરેલી કેટલીક ચર્ચાસ્પદ પોસ્ટે વૈશ્વિક રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે. તેમણે પોતાની એક તસવીર શેર કરી છે જેમાં તેમણે ‘TRUMP 2028’ લખેલી કેપ પહેરી છે અને સાથે કેપ્શન આપ્યું છે કે, 'અમે જીતવાના છીએ.' આ પોસ્ટ બાદ તે ત્રીજી વખત પ્રમુખ પદની ચૂંટણી લડશે તેવી અટકળોએ જોર પકડ્યું છે.
2028ની ચૂંટણી અંગે શું છે કાનૂની સ્થિતિ?
અમેરિકાના બંધારણના 22મા સુધારા (22nd Amendment) અનુસાર, કોઈપણ વ્યક્તિ બે કરતાં વધુ વખત પ્રમુખ તરીકે ચૂંટાઈ શકતી નથી. ડોનાલ્ડ ટ્રમ્પ વર્ષ 2016 અને 2024માં પ્રમુખ તરીકે ચૂંટાઈ ચૂક્યા છે, અને હાલમાં તેમનો બીજો કાર્યકાળ ચાલી રહ્યો છે.

અગાઉ જ્યારે પત્રકારોએ ત્રીજી મુદત અંગે સવાલ પૂછ્યો હતો, ત્યારે ટ્રમ્પે સ્વીકાર્યું હતું કે 'હું ત્રીજી મુદત પસંદ કરશે, પરંતુ તેના માટે કાયદો ખૂબ જ કડક છે.' જોકે, તેમની તાજેતરની પોસ્ટ બાદ રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા શરૂ થઈ છે કે શું તે કાયદાકીય કે બંધારણીય જોગવાઈઓમાં કોઈ સુધારો કરવાનો સંકેત આપી રહ્યા છે.
બાઇડેન સાથે પોતાના કાર્યકાળની સરખામણી
આ સિવાય ટ્રમ્પે અન્ય બે તસવીરો પણ શેર કરી છે, જેના દ્વારા તેમણે પૂર્વ પ્રમુખ જો બાઈડેન પર નિશાન સાધ્યું છે. પહેલી તસવીરમાં બાઈડેનના કાર્યકાળનો ઉલ્લેખ કરીને અમેરિકી નાગરિકને જેલના સળિયા પાછળ બતાવવામાં આવ્યો છે. બીજી તસવીરમાં ટ્રમ્પના કાર્યકાળ હેઠળ અમેરિકી ધ્વજ સાથે દેશવાસીઓ વિમાન મારફતે સ્વદેશ પરત ફરતા જોવા મળે છે.

આ તસવીરો દ્વારા ટ્રમ્પે એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે બાઇડેનના શાસનકાળ દરમિયાન કેટલાક અમેરિકનો રશિયાની જેલોમાં જ રહી ગયા હતા, જ્યારે તેના કાર્યકાળમાં અમેરિકી નાગરિકોને સુરક્ષિત રીતે પરત લાવવામાં આવી રહ્યા છે.

