ભારત પ્રવાસ દરમિયાન મોટી ડીલ કરવાની તૈયારીમાં પુતિન! 23મી ભારત-રશિયા વાર્ષિક શિખર બેઠક યોજાશે

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ત્રણ વર્ષના લાંબા ગાળા બાદ ફરીથી ભારતની મુલાકાતે આવી રહ્યા છે. છેલ્લે તેઓ ડિસેમ્બર 2021માં આવ્યા હતા. આ વખતે 4-5 ડિસેમ્બરના રોજ 23મી ભારત-રશિયા વાર્ષિક શિખર બેઠક યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પુતિનની ગાઢ મિત્રતા જગજાહેર છે, પછી તે SCOની બેઠક હોય કે ફોન પર વાતચીત. યુક્રેન યુદ્ધ પછી પણ ભારતે રશિયાનો સાથ છોડ્યો નથી. આ મુલાકાતમાં સંરક્ષણ સોદાઓ, ખાસ કરીને નવી S-400 મિસાઈલ એર ડિફેન્સ સિસ્ટમની ખરીદી સૌથી મોટો મુદ્દો છે.
ભારતનો સૌથી મોટો શસ્ત્રોનો સપ્લાયર
એક સમયે રશિયા ભારતને હથિયારો પૂરો પાડનારો પ્રથમ ક્રમનો દેશ હતો અને આજે પણ ભારતની સશસ્ત્ર સેનાઓ પાસે 60-70 ટકા હથિયારો રશિયાના છે. જોકે SIPRI 2025ના અહેવાલ મુજબ 2020-2024ના ગાળામાં રશિયા પાસેથી થતી હથિયારોની આયાત ઘટીને 36 ટકા થઈ છે, કારણ કે ભારત હવે ફ્રાન્સ (રાફેલ), અમેરિકા (અપાચે હેલિકોપ્ટર) અને ઈઝરાયલ (ડ્રોન) જેવા અન્ય દેશો પાસેથી પણ ખરીદી કરી રહ્યું છે, છતાં પણ ભારતનો રશિયા સાથેનો જૂનો અને ગાઢ સંબંધ (India-Russia Relations) જળવાઈ રહ્યો છે.
બંને દેશો વચ્ચે ચાલી રહ્યા છે આ મોટા પ્રોજેક્ટ
હાલમાં બંને દેશો વચ્ચે સુખોઈ-30 MKI લડાયક વિમાન, ટી-90 ટેન્ક, મિગ-29નું આધુનિકીકરણ, બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સંયુક્ત ઉત્પાદન અને અમેઠીમાં AK-203 એસોલ્ટ રાઈફલનું ઉત્પાદન જેવા મોટા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે.
ડીલ : ભારતને 2026માં મળશે વધુ બે S-400
આ મુલાકાતનો સૌથી મહત્ત્વનો વિષય નવી S-400 એર ડિફેન્સ સિસ્ટમનો સોદો છે. ભારતે 2018માં 5.43 અબજ ડૉલરમાં 5 રેજિમેન્ટ માટે કરાર કર્યો હતો, જેમાંથી અત્યાર સુધીમાં 3 રેજિમેન્ટ (અંબાલા, જોધપુર અને સિરસામાં તૈનાત) મળી ચૂક્યા છે. બાકીના 2 રેજિમેન્ટ 2026ની શરૂઆતમાં અથવા મધ્યમાં આવશે. હવે રશિયા વધુ 2-3 વધારાની રેજિમેન્ટની નવી ઓફર કરી રહ્યું છે. ખાસ વાત એ છે કે આ નવા સોદામાં 50 ટકા જેટલું ટેકનોલોજી ટ્રાન્સફર સામેલ છે. ભારતની કંપની ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) હવે 48N6 મિસાઈલનું ઉત્પાદન ભારતમાં જ કરશે.

