પુતિને મોસ્કોમાં થયેલા આતંકી હુમલાની ટીકા કરી, રાષ્ટ્રીય શોક જાહેર કર્યો

Moscow concert hall attack: રશિયાની રાજધાની મોસ્કોમાં થયેલા આતંકવાદી હુમલામાં અત્યાર સુધી 100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોસ્કોમાં થયેલા આતંકી હુમલાની નિંદા કરી છે. આ સાથે રાષ્ટ્રીય શોક દિવસ જાહેર કરવામાં આવ્યો છે.
રશિયન આતંકવાદી હુમલા બાદ 11 લોકોની અટકાયત
રશિયાની ફેડરલ સિક્યુરિટી સર્વિસના વડાએ શનિવારે દેશના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને જણાવ્યું હતું કે મોસ્કોના કોન્સર્ટ સ્થળ પર થયેલા હુમલા બાદ 11 લોકોની અટકાયત કરવામાં આવી છે. રશિયાની સરકારી સમાચાર એજન્સી આ માહિતી આપી છે.
મોસ્કોમાં થયેલા હુમલામાં 100થી વધુ લોકોના મોત
ઉલ્લેખનીય છે કે, રશિયાની રાજધાની મોસ્કોમાં ક્રોકસ સિટી હોલ (કોન્સર્ટ હોલ) 22 માર્ચ મોડી રાત્રે કેટલાક શખ્સો બંદૂકો લઈને ઘૂસી ગયા હતા. ત્યાં હાજર લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 150થી વધુ લોકો ઘાયલ થયા છે. ઇસ્લામિક સ્ટેટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા નિવેદનમાં હુમલાની જવાબદારી સ્વીકારી છે. તાજેતરના વર્ષોમાં રશિયામાં આ સૌથી ભયાનક હુમલો છે.

