પોલેન્ડમાં ઓચિંતા વસ્તીમાં થયો મોટો ઘટાડો, એક જ વર્ષમાં જન્મ કરતાં મૃત્યુદર વિશ્વ માટે ચિંતાનો વિષય

યુરોપના દેશ પોલેન્ડની વસ્તીના તાજા આંકડા જાહેર થયા છે, જે ચિંતાજનક છે. અહેવાલ મુજબ, 2023ના એક જ વર્ષમાં પોલેન્ડની કુલ વસ્તીમાં 1,58,000 લોકોનો ઘટાડો નોંધાયો છે, જે દર્શાવે છે કે પોલેન્ડ એક ગંભીર જનસંખ્યાકીય સંકટમાંથી પસાર થઇ રહ્યો છે. આ ઘટાડો કયા કારણોસર થયો છે, એ જાણવું રસપ્રદ છે.
વસ્તીઘટાડાના મુખ્ય કારણો: ઓછો જન્મદર, વધારે મૃત્યુદર
પોલેન્ડમાં વસ્તી ઘટાડાનું પ્રમુખ કારણ છે ખૂબ જ નીચો જન્મદર. 2023માં, પોલેન્ડમાં માત્ર 2,72,000 બાળકોનો જન્મ થયો, જે દેશના ઇતિહાસમાં સૌથી ઓછા છે. બીજી તરફ, તે જ વર્ષ દરમિયાન 4,30,000 લોકોના મૃત્યુ નોંધાયા. આનો અર્થ એ થયો કે પોલેન્ડે પોતાની વસ્તીનો એક મોટો ભાગ ગુમાવ્યો.
જાન્યુઆરીથી સપ્ટેમ્બર, 2025 સુધીમાં 1,81,000 બાળકો જન્મ્યા હતાં, જે વર્ષ 2024ના એટલા જ સમયગાળામાં જન્મેલાં બાળકો કરતાં 11000 ઓછા છે.
મહિલાઓનો પ્રજનન દર 1.11 છે, જે સમગ્ર યુરોપમાં સૌથી ઓછો છે. દેશની જનસંખ્યા સ્થિર રાખવા માટે પ્રજનન દર 2.1 હોવો જોઈએ.
1990 માં મહિલાઓ પહેલા બાળકને જન્મ આપે ત્યારની સરેરાશ વય 22.7 હતી, જે 2024 માં વધીને 29.1 થઈ ગઈ છે. મહિલાઓની પહેલીવાર માતા બનવાની વય વધી ગઈ હોવાથી ઓછા બાળકો પેદા થાય છે.
પોલેન્ડની વર્તમાન જનસંખ્યા 3.66 કરોડ છે, જે વર્ષ 1989 માં 4 કરોડ હતી.
નીચા જન્મદરના કારણો
નીચા જન્મદર પાછળ નીચે મુજબના સામાજિક અને આર્થિક પરિબળો જવાબદાર છે.
યુવા વર્ગનું કારકિર્દી અને શિક્ષણ પ્રત્યેનું વલણ
મહિલાઓના મોટી વયે થતા લગ્ન
મોટી વયે થતા લગ્નને લીધે ઘટી જતી ફળદ્રુપતા
મોટા શહેરોમાં રહેવાનો ખર્ચ
અનિશ્ચિત આર્થિક ભવિષ્ય
પરિવાર નિર્માણ માટે જરૂરી સહાયનો અભાવ હોવાથી લગ્ન પ્રત્યેની ઉદાસિનતા
યુવા પેઢીનું પલાયન
પોલેન્ડમાં વસ્તી ઘટાડાનું અન્ય મહત્ત્વપૂર્ણ કારણ છે યુવા વર્ગનું અન્ય યુરોપિયન દેશો તરફ પલાયન. વર્ષ 2025 માં પ્રતિ 10000 નાગરિકો પૈકીના 30 નાગરિક પોલેન્ડ છોડી ગયા છે. 2024 માં આ આંકડો 27 નો હતો. એ હિસાબે જોઈએ તો દર વર્ષે દેશ છોડનારની સંખ્યા સતત વધતી જ જાય છે. પોલેન્ડ યુરોપિયન યુનિયનનો સભ્ય દેશ હોવાથી પોલેન્ડના નાગરિકોને જર્મની, આયરલેન્ડ અને નેધરલેન્ડ્સ જેવા અન્ય સભ્ય દેશોમાં કામ કરવાની સરળતા રહે છે. ઉચ્ચ વેતન, વધુ સારી નોકરીની તકો અને જીવનની ઉચ્ચ ગુણવત્તા જેવા કારણોસર હજારો યુવા પોલેન્ડ છોડીને જતા રહે છે. આ પ્રવૃત્તિના કારણે દેશમાં કાર્યશીલ વસ્તી તો ઘટે છે, પણ સાથોસાથ ભવિષ્યમાં પરિવાર શરૂ કરી શકે તેવા લોકોની સંખ્યા પણ ઘટે છે, જેથી જન્મદર પર વધુ પ્રતિકૂળ અસર પડે છે.
વસ્તીઘટાડાની અર્થતંત્ર અને સમાજ પર ગંભીર અસર પડશે
વસ્તીમાં થતો સતત ઘટાડો પોલેન્ડના ભવિષ્ય માટે કપરા પરિણામ લાવી શકે છે. સૌપ્રથમ તો, કાર્યશીલ વર્ગની વસ્તી ઘટતા દેશના અર્થતંત્ર પર ભારે દબાણ ઉત્પન્ન થશે. કામ કરનારા લોકોની સંખ્યા ઘટવાને કારણે ઉત્પાદન ઘટશે, કરની આવક ઘટશે અને અર્થતંત્રની વૃદ્ધિ ધીમી પડશે.
વૃદ્ધોની વસ્તીનું પ્રમાણ વધતા સામાજિક સુરક્ષા પ્રણાલી પર ભારે બોજો પડશે. પેન્શન અને સારવાર જેવી સુવિધાઓ માટેનું ભંડોળ ઓછું પડતું જશે, જેથી સરકાર માટે આ સેવાઓ જારી રાખવી મુશ્કેલ બની જશે.
શાળાઓ અને યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવાથી શિક્ષણ ક્ષેત્ર પણ આ સંકટથી અછૂત નહીં રહી શકે.
ભવિષ્ય સુધારવા આવા પગલાં લઈ શકાય
પોલેન્ડ સરકાર આ સમસ્યાથી અજાણી નથી અને તેના નિવારણ માટે કેટલાક પગલાં લઈ રહી છે. સરકાર નાગરિકોને વધુ બાળકોને જન્મ આપવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરી રહી છે, જેમાં બાળક દીઠ નિશ્ચિત આર્થિક સહાય આપવામાં આવે છે. તેમ છતાં, માત્ર આર્થિક સહાય જ પૂરતી નથી. વસ્તી ઘટાડાની સમસ્યાના નિવારણ માટે યુવાનો માટે દેશની અંદર જ સારી નોકરીની તકો ઊભી કરવી, સસ્તા રહેણાંકની સુવિધા આપવી, બાળકોની કાળજી માટેની સુવિધાઓ વધારવી અને કામકાજ અને અંગત જીવન વચ્ચે સંતુલન જાણવવા જેવી સુવિધાઓને પ્રોત્સાહન આપવા જેવા પગલાં મદદરૂપ થઈ શકે છે. પોલેન્ડ તો ફક્ત એક ઉદાહરણ છે, વસ્તીઘટાડાનો પડકાર અન્ય દેશોમાં પણ છે
વસ્તીઘટાડાની સમસ્યા પોલેન્ડ જેવા કોઈ એક દેશની સમસ્યા નથી. યુરોપના અનેક વિકસિત દેશો આ જ પ્રકારના જનસંખ્યાકીય પડકારનો સામનો કરી રહ્યા છે. પરંતુ પોલેન્ડમાં આ ઘટાડો સૌથી ઝડપી છે. દેશના ભવિષ્ય, તેની આર્થિક સમૃદ્ધિ અને સામાજિક સ્થિરતા માટે આ એક મોટો ખતરો છે. આ સંકટનો સામનો કરવો એ સરકાર, સમાજ અને દરેક નાગરિકની સામૂહિક જવાબદારી બની જાય છે. જો સમયસર પ્રભાવી પગલાં ન ભરાયાં તો જનસંખ્યાનો ઘટાડો પોલેન્ડના અસ્તિત્વ પર ગંભીર અસર પાડી શકે છે.

