એક મંચ પર જોવા મળ્યા PM મોદી-જિનપિંગ અને શહબાઝ શરીફ, SCO નેતાઓનું ફોટો સેશન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના પ્રવાસે છે. PM મોદી આ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા હતા. વડાપ્રધાન મોદી SCO સમિટમાં ભાગ લેવા માટે ચીનના તિયાનજિન શહેર પહોંચ્યા છે. SCO સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ, રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ફોટોશૂટ કરાવ્યું હતું.
SCO નેતાઓનું ગ્રૂપ ફોટો સેશન
ચીનના રાષ્ટ્રપ્રમુખ જિનપિંગે SCO સમિટમાં PM મોદીનું ઔપચારિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ SCO નેતાઓનું ગ્રૂપ ફોટો સેશન થયું. આ તસવીરમાં PM મોદી, શી જિનપિંગ, વ્લાદિમીર પુતિન, શાહબાઝ શરીફ અને અન્ય ઘણા નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા.
ચીનમાં PM મોદીને ખાસ 'હોંગચી કાર' આપવામાં આવી
SCO સમિટમાં હાજરી આપવા માટે ચીન પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્યાંની સરકારે તેમના રોકાણ દરમિયાન એક ખાસ 'હોંગચી કાર' આપવામાં આવી હતી. આ એ જ કાર છે જેનો ઉપયોગ ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સત્તાવાર પ્રવાસોમાં કરે છે. 'હોંગચી', જેનો અર્થ 'લાલ ધ્વજ' થાય છે, તે ચીનની પ્રતિષ્ઠિત લક્ઝરી બ્રાન્ડ છે અને તેને 'મેડ ઇન ચાઇના' ની ઓળખ માનવામાં આવે છે. ભારતના મહાબલીપુરમ સમિટ દરમિયાન શી જિનપિંગે 'હોંગચી L5' કારનો પણ ઉપયોગ કર્યો હતો.
ભારત-ચીન માટે મિત્ર બનવું એ યોગ્ય વિકલ્પ છે: જિનપિંગ
ચીનના રાષ્ટ્રપ્રમુખ જિનપિંગ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, 'મિત્ર બનવું એ ભારત અને ચીન માટે યોગ્ય વિકલ્પ છે, બંને દેશોએ સરહદ વિવાદને પરસ્પર સંબંધોની ઓળખ ન બનવા દેવી જોઈએ. ભારત અને ચીન હરીફ નથી પણ સાથી છે.'

