VIDEO: રશિયામાં પ્લેગનો ખૌફ, લેબ મહિલા કર્મચારીનું મોત
રશિયાના સાઇબિરીયા વિસ્તારમાં લેબ કર્મચારીના રહસ્યમય મોત બાદ પ્લેગના ચેપ અંગે ચિંતા વધી ગઈ છે. ઇરકુત્સ્કના શેલેખોવમાં આવેલી એન્ટી-પ્લેગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરતી ૨૮ વર્ષીય મહિલા દર્યા શિપિલોવાના મોત બાદ લગભગ ૨૦૦ લોકોને તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. જોકે, રશિયન સત્તાવાળાઓએ હજી સુધી તેમના મોતનું કારણ પ્લેગ હોવાની સત્તાવાર પુષ્ટિ કરી નથી અને હાલમાં આ કેસને અજ્ઞાત કારણોસર થયેલા ન્યુમોનિયા તરીકે જોવામાં આવી રહ્યો છે. શિપિલોવા એવા સંસ્થાનમાં કામ કરતી હતી જ્યાં પ્લેગ જેવા ગંભીર ચેપી રોગો પર સંશોધન થાય છે. સ્થાનિક અહેવાલો મુજબ, લેબમાં સેમ્પલ હેન્ડલ કરતી વખતે એક ટેસ્ટ ટ્યુબ તૂટી ગઈ હતી, જે પછી તેમની તબિયત લથડી હતી. તેમના મૃત્યુ પછી સંપર્કમાં આવેલા ૨૦૦ જેટલા લોકોની ઓળખ કરીને તેમના પર સતત નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈ પણ સંભવિત ચેપ સમયસર શોધી શકાય.

