Nobel Prize 2025: આર્થરાઈટિસ- ડાયાબિટિસની સારવાર શોધનારા ડોક્ટરોને મેડિસીનમાં નોબેલ

નોબેલ પુરસ્કારો અંગે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2025 માટે ફિઝિયોલોજી અથવા મેડિસિનમાં નોબેલ પુરસ્કાર મેરી ઇ. બ્રુન્કો, ફ્રેડ રેમ્સડેલ અને શિમોન સાકાગુચીને "પેરિફેરલ રોગપ્રતિકારક સહિષ્ણુતા સંબંધિત તેમની શોધો માટે" એનાયત કરવામાં આવશે.
નોબેલ પુરસ્કારની જાહેરાતથી ફરી એકવાર દુનિયાને એક ચમત્કારનો અનુભવ થયો છે. પેરિફેરલ ઇમ્યુન ટોલરન્સ (બાહ્ય ઉત્તેજના પ્રત્યે રોગપ્રતિકારક શક્તિની સહનશીલતા) સંબંધિત શોધો માટે યુનાઇટેડ સ્ટેટ્સની મેરી ઇ. બ્રુન્કો, યુનાઇટેડ સ્ટેટ્સના ફ્રેડ રેમ્સડેલ અને જાપાનના શિમોન સાકાગુચીને ફિઝિયોલોજી અથવા મેડિસિનમાં 2025 નો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. તેમની આ શોધે શરીરની સંરક્ષણ પ્રણાલીની સમજમાં ક્રાંતિ લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તેમની શોધથી રુમેટોઇડ સંધિવા, ટાઇપ 1 ડાયાબિટીસ અને લ્યુપસ જેવા સ્વયંપ્રતિરક્ષા રોગોની સારવારનો માર્ગ ખુલ્યો છે. સ્ટોકહોમમાં કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટે સોમવારે આ જાહેરાત કરી હતી.
રોગપ્રતિકારક શક્તિ સહનશીલતા શું છે?
આપણું શરીર હંમેશા રોગપ્રતિકારક શક્તિ સાથે વાયરસ અથવા બેક્ટેરિયા જેવા જોખમો સામે લડે છે. જો કે, ક્યારેક આ પ્રણાલી ભૂલથી તેના પોતાના અવયવો પર હુમલો કરે તેને ઓટોઇમ્યુન બીમારી કહેવાય છે. અગાઉ વૈજ્ઞાનિકો માનતા હતા કે રોગપ્રતિકારક કોષો (જંતુઓ સામે લડતા કોષો) શરીરની અંદર સહિષ્ણુ (ટોલરન્સ) બની જાય છે, આ પ્રક્રિયાને કેન્દ્રીય રોગપ્રતિકારક શક્તિ તરીકે ઓળખવામાં આવે છે.
પરંતુ વિજેતાઓએ દર્શાવ્યું કે શરીરના બાહ્ય ભાગોમાં પણ એક ચોક્કસ પદ્ધતિ કાર્ય કરે છે, જે રોગપ્રતિકારક શક્તિને નિયંત્રિત કરે છે. જે શરીરના અવયવોનું રક્ષણ કરવામાં મદદ કરે છે. તેમની આ શોધ કેન્સર, ટ્રાન્સપ્લાન્ટ અને એલર્જીની સારવારમાં મદદ કરશે.

