‘લેબનાનમાં કોઈ સીઝફાયર નહિ', ઈઝરાયેલનું કડક વલણ: ‘હિઝબુલ્લાહ અલગ મોરચો છે’

જેરૂસલેમ/ઈસ્લામાબાદ: અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના યુદ્ધવિરામ (Ceasefire) ની જાહેરાત થયાના ગણતરીના કલાકોમાં જ ઈઝરાયેલે પાકિસ્તાનને મોટો આંચકો આપ્યો છે. ઈઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ (Benjamin Netanyahu) સ્પષ્ટ કર્યું છે કે આ સીઝફાયર લેબનાન પર લાગુ પડતું નથી. આ નિવેદને પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફના એ દાવાને ખોટો સાબિત કર્યો છે જેમાં તેમણે આખા ક્ષેત્રમાં શાંતિની વાત કરી હતી.
ઈઝરાયેલનું કડક વલણ: ‘હિઝબુલ્લાહ અલગ મોરચો છે’
ઈઝરાયેલી વડાપ્રધાન કાર્યાલયે સત્તાવાર નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે, "અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ વિરામ લેબનાનનો સમાવેશ કરતો નથી." ઈઝરાયેલનું માનવું છે કે લેબનાનમાં ઈરાન સમર્થિત જૂથ હિઝબુલ્લાહ (Hezbollah) દ્વારા કરવામાં આવતા હુમલાઓ એક અલગ વિષય છે. જ્યાં સુધી ઈઝરાયેલની ઉત્તરી સરહદ સુરક્ષિત નહીં થાય અને હિઝબુલ્લાહના રોકેટ હુમલા બંધ નહીં થાય, ત્યાં સુધી સૈન્ય અભિયાન ચાલુ રહેશે.
શહેબાઝ શરીફની મુત્સદ્દીગીરીની ફિયાસ્કો
આ ઘટનાએ પાકિસ્તાનના પીએમ શહેબાઝ શરીફને (Shehbaz Sharif) આંતરરાષ્ટ્રીય સ્તરે ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દીધા છે. શહેબાઝ શરીફે મધ્યસ્થી હોવાનો ગર્વ લેતા દાવો કર્યો હતો કે, "આ સીઝફાયર લેબનાન સહિત દરેક જગ્યાએ લાગુ પડશે." ઈઝરાયેલના રદિયો આપતા નિવેદનથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે પાકિસ્તાને પોતાની લોકપ્રિયતા વધારવા માટે અતિશયોક્તિભર્યા દાવા કર્યા હતા.
ભારતનું નિવેદન સાચું સાબિત થયું?
ઈઝરાયેલ દ્વારા પાકિસ્તાનના દાવાને ફગાવી દેવામાં આવ્યા બાદ, ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરનું (S. Jaishankar) એ નિવેદન ચર્ચામાં આવ્યું છે જે તેમણે સંસદમાં આપ્યું હતું. તેમણે પાકિસ્તાન પર પ્રહાર કરતા કહ્યું હતું કે, "પાકિસ્તાન ફી લઈને સંકટ ઉકેલવાનો દાવો કરનાર દલાલ છે." ઈઝરાયેલના તાજેતરના વલણથી જયશંકરના આ કટાક્ષને વધુ મજબૂતી મળી છે.
શા માટે લેબનાન મોરચો અલગ છે?
-
હિઝબુલ્લાહનો ખતરો: ઈઝરાયેલ લેબનાન સરહદે હિઝબુલ્લાહને શક્તિ ભેગી કરવાનો મોકો આપવા માંગતું નથી.
-
સીધી લડાઈ: ઈરાન સાથે સીધો સંઘર્ષ 14 દિવસ માટે રોકી શકાય છે, પરંતુ સરહદી સુરક્ષા સાથે ઈઝરાયેલ કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી.
-
40 દિવસનું યુદ્ધ: હિઝબુલ્લાહે અત્યાર સુધીમાં હજારો રોકેટનો મારો ઈઝરાયેલ પર ચલાવ્યો છે, જેનો જવાબ આપવો ઈઝરાયેલ માટે અનિવાર્ય છે.
2 માર્ચથી લેબનાન આ યુદ્ધમાં સીધું ખેંચાયું
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષમાં લેબનાનની સ્થિતિ દિનપ્રતિદિન ગંભીર બની રહી છે. 2 માર્ચથી લેબનાન આ યુદ્ધમાં સીધું ખેંચાયું છે, જ્યારે ઈરાન સમર્થિત સંગઠન હિઝબુલ્લાહ (Hezbollah) એ ઈઝરાયેલ પર હુમલા શરૂ કર્યા હતા.
હુમલા પાછળનું કારણ
હિઝબુલ્લાહના જણાવ્યા અનુસાર, 28 ફેબ્રુઆરીએ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈ ની હત્યાના બદલામાં આ હુમલા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, હિઝબુલ્લાહે આક્ષેપ કર્યો છે કે ઈઝરાયેલ નવેમ્બર 2024 ના સીઝફાયર (Ceasefire) ઉલ્લંઘન સતત કરી રહ્યું હતું, જેના પ્રતિસાદરૂપે તેમણે સૈન્ય કાર્યવાહી કરી છે.
ઈઝરાયેલના વળતા હુમલાઓએ લેબનાનમાં ભારે વિનાશ વેર્યો છે. અત્યાર સુધીમાં ૧,૫૦૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આશરે ૧૦ લાખથી વધુ લોકોએ પોતાનું ઘર છોડીને ભાગવું પડ્યું છે. ઈઝરાયેલી સેનાએ દક્ષિણ લેબનાનમાં જમીની આક્રમણ (Invasion) શરૂ કર્યું છે. ઈઝરાયેલનું લક્ષ્ય ત્યાં કબજો જમાવીને એક 'બફર ઝોન' બનાવવાનું છે જેથી પોતાની સરહદ સુરક્ષિત કરી શકાય.
વર્તમાન પરિસ્થિતિ અંગે લેબનાન સરકાર કે હિઝબુલ્લાહ તરફથી હજુ સુધી કોઈ નવી સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. મધ્ય પૂર્વમાં શાંતિના પ્રયાસો વચ્ચે લેબનાન મોરચે વધતો તણાવ ચિંતાનો વિષય બન્યો છે.

