| શાંતિ મંત્રણાના મુખ્ય સહભાગીઓ: | |
| દેશ | પ્રતિનિધિઓ |
| અમેરિકા | જેડી વેન્સ (VP), જેરેડ કુશ્નર, સ્ટીવ વિટકોફ, બ્રેડ કૂપર |
| ઈરાન | અબ્બાસ અરાઘચી (વિદેશ મંત્રી), મોહમ્મદ બાગેર ગલિબાફ, અલી અકબર અહમદીન, અબ્દોલનાસેર હેમ્મતી, મજીદ તખ્ત રવાંચી, મોહમ્મદ બાગેર જોલ્ઘાદ્ર |
| પાકિસ્તાન | શહેબાઝ શરીફ (PM), અસીમ મુનીર (આર્મી ચીફ), ઈશાક ડાર, મોહમ્મદ અસીમ મલિક |
મિડલ ઈસ્ટમાં શાંતિની નવી આશા: ઈરાનના પ્રતિનિધિ પાકિસ્તાન પહોંચ્યા, ઈસ્લામાબાદમાં આજે મહત્ત્વની બેઠક

US-Iran Peace Talks 2026 : મધ્ય-પૂર્વ (મિડલ-ઈસ્ટ)માં ચાલી રહેલા યુદ્ધ અને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે આજે આખી દુનિયાની નજર પાકિસ્તાન પર ટકેલી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે કાયમી શાંતિ સ્થાપવા માટે પાકિસ્તાનની મધ્યસ્થતામાં ઈસ્લામાબાદ ખાતે આજથી મહત્વપૂર્ણ શાંતિ વાર્તા શરૂ થઈ રહી છે. આ બેઠક માટે બંને દેશોના ટોચના પ્રતિનિધિઓ પાકિસ્તાન પહોંચી ગયા છે.
પાકિસ્તાનની મોટી ભૂમિકા અને યુદ્ધવિરામ
તાજેતરમાં જ અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. આ યુદ્ધવિરામ પાછળ પાકિસ્તાનની મોટી ભૂમિકા હોવાનું ખુદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વીકાર્યું હતું. હવે આ કામચલાઉ શાંતિને કાયમી બનાવવા માટે ઈસ્લામાબાદમાં ટેબલ ટોક શરૂ થઈ છે. આ મંત્રણામાં ઈરાન તરફથી 6, અમેરિકા તરફથી 4 અને યજમાન પાકિસ્તાન તરફથી 4 પ્રતિનિધિઓ સામેલ થશે.

ઈરાનને ચોખ્ખા શબ્દોમાં કહ્યું - શરતો માનશો તો જ વાતચીત થશે..
ઈરાનના પ્રતિનિધિમંડળે સ્પષ્ટ શબ્દોમાં અમેરિકાને કહી દીધું છે કે જો તમે અમારી શરતો માનશો તો જ અમે શાંતિ પ્રસ્તાવ પર સહમત થઇશું. બીજી બાજુ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ કહ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણાની મેજબાની કરવી એ પાકિસ્તાન જ નહીં પરંતુ સમગ્ર મુસ્લિમ જગત માટે ગર્વની વાત છે.
ઈરાનનું પ્રતિનિધિમંડળ: 'મીનાબ 168'
ઈરાનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી કરી રહ્યા છે. આ સાથે ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાગેર ગલિબાફ પણ હાજર છે. રસપ્રદ વાત એ છે કે, ઈરાને પોતાના ડેલિગેશનનું નામ 'મીનાબ 168' રાખ્યું છે. આ નામ મીનાબ શહેરમાં એક સ્કૂલ પર થયેલા હુમલામાં માર્યા ગયેલા 168 બાળકોની યાદમાં આપવામાં આવ્યું છે, જેના દ્વારા ઈરાન આંતરરાષ્ટ્રીય મંચ પર તે ઘટનાની ગંભીરતા દર્શાવવા માંગે છે.

