સુદાનમાં ભૂસ્ખલનને કારણે આખા ગામનો સર્વનાશ,1000 લોકોનાં મોત; માત્ર એક વ્યક્તિ જ જીવિત બચ્યો
અફઘાનિસ્તાનમાં ભૂકંપ બાદ આફ્રિકન દેશ સુદાનમાં કુદરતનો કહેર જોવા મળ્યો છે. સુદાન લિબરેશન મૂવમેન્ટ/ સેનાએ કહ્યું કે ભૂસ્ખલન (લેન્ડસ્લાઇડ)માં 1000 લોકો માર્યા ગયા છે. આ ભૂસ્ખલનને કારણે પશ્ચિમી સુદાનના માર્રા પર્વત વિસ્તારમાં એક ગામ આખુ વિનાશ પામ્યુ છે. આ ગામમાં માત્ર એક વ્યક્તિ જ જીવિત બચ્યો છે.
અબ્દેલવાહિદ મોહમ્મદ નૂરના નેતૃત્ત્વ ધરાવતા ગ્રુપે એક નિવેદનમાં કહ્યું કે કેટલાક દિવસથી ભારે વરસાદ બાદ 31 ઓગસ્ટે ભૂસ્ખલન થયુ હતું. સંગઠને સંયુક્ત રાષ્ટ્ર (UN) અને અન્ય આંતરરાષ્ટ્રીય રાહત એજન્સીઓને અપીલ કરી છે કે મૃતકોના શબ કાઢવામાં અને પ્રભાવિત પરિવારોને મદદ કરવા માટે જરૂરી પગલા ભરે. સંગઠને એમ પણ કહ્યું કે મૃતકોમાં મોટી સંખ્યામાં પુરૂષ, મહિલાઓ અને બાળકો સામેલ છે.
યુદ્ધ અને ભૂખમરા સામે ઝઝુમતા દેશમાં કુદરતનો કહેર
સુદાનમાં લોકો પહેલાથી જ યુદ્ધ લડી રહ્યા છે. અહીં બે વર્ષથી ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે. અહીંના ઉત્તરી દારફુર રાજ્યમાં સુદાની સેના અને અર્ધસૈનિક રેપિડ સપોર્ટ ફોર્સ (SRF) વચ્ચે યુદ્ધ ચાલુ છે અને તેનાથી પોતાનો જીવ બચાવીને ભાગી રહેલા લોકોએ માર્રા પર્વત વિસ્તારમાં શરણ લીધેલી છે.અહીં ભોજન અને દવાઓની કમી જોવા મળે છે. આ યુદ્ધને કારણે અડધાથી વધુ વસ્તી ભૂખમરાના સંકટ સામે ઝઝુમી રહી છે.

