બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર અંગે મહોમ્મદ યુનુસે પહેલી વાર આપ્યું નિવેદન, જાણો શું કહ્યું

બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે પૂર્વ વડાપ્રધાન શેખ હસીના પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે શેખ હસીનાએ બધું બરબાદ કરી દીધું છે. યુનુસે એમ પણ કહ્યું કે બાંગ્લાદેશમાં ચૂંટણી સુધારણા બાદ જ ચૂંટણી યોજાશે.
મોહમ્મદ યુનુસે નિક્કી એશિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, ચૂંટણીઓ યોજતા પહેલા આપણે અર્થવ્યવસ્થા, ગવર્નન્સ, નોકરશાહી અને ન્યાયતંત્રમાં સુધારા કરવાની જરૂર છે.
આ પણ વાંચો : બાંગ્લાદેશની શિયાળવૃતિ! ભારતથી છુપાવી પાકિસ્તાન પાસેથી ખરીદ્યો હથિયારોનો મોટો જથ્થો
યુનુસે ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો હતો કે ઈન્ટરનેશનલ ક્રાઈમ ટ્રિબ્યુનલમાં ટ્રાયલ પૂરી થયા બાદ ભારતે શેખ હસીનાનું પ્રત્યાર્પણ કરવું જોઈએ. તેમણે કહ્યું કે એકવાર ટ્રાયલ પૂર્ણ થઈ જાય અને ચુકાદો જાહેર થઈ જાય, ત્યારબાદ અમે ભારતને શેખ હસીનાના પ્રત્યાર્પણની વિનંતી કરીશું. તેણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ ભારત તેનું પ્રત્યાર્પણ કરવા બંધાયેલું છે.
હિંદુઓ પર હુમલાઓ અંગેનો પ્રચાર
તેમણે બાંગ્લાદેશમાં હિંદુઓ પરના હુમલાઓને પ્રોપગેન્ડા ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, ભારત સરકાર હિંદુઓની સુરક્ષાને લઈને જે ચિંતા વ્યક્ત કરી રહી છે તે હકીકત પર આધારિત નથી. જે કંઈ કહેવાય છે તે માત્ર 'પ્રચાર' છે.
આ પણ વાંચો : 43,000 કરોડની સંપત્તિ ત્યાગી, આ ટેલિકોમ દિગ્ગજનો પુત્ર બન્યો ભગવાન બુદ્ધનો સંન્યાસી
આ વર્ષે 5 ઓગસ્ટે શેખ હસીનાની સરકારને ઉથલાવી દેવામાં આવી હતી. વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યા બાદ તે ભારત આવી હતી. હસીના સરકારની વિદાય બાદથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો બગડ્યા છે. બાંગ્લાદેશમાં પણ હિન્દુઓ પર હુમલા વધ્યા છે. તાજેતરમાં હિન્દુ ધર્મગુરુ ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ સંબંધો વધુ બગડ્યા હતા. ચિન્મય દાસની રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ચટગાંવ કોર્ટે તેમની જામીન અરજી પર સુનાવણી 2 જાન્યુઆરી સુધી મુલતવી રાખી છે, કારણ કે તેમના વતી કોઈ વકીલ હાજર થયો ન હતો. તેમના સમર્થકોનો દાવો છે કે તેમના વકીલનો જીવ જોખમમાં છે.
હસીનાની સરકારમાં બધું બરબાદ થઈ ગયું છે
યુનુસે ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે બાંગ્લાદેશની વચગાળાની સરકારે ચૂંટણી પ્રણાલી, બંધારણ અને ન્યાયતંત્રમાં સુધારા માટે અનેક પંચોની રચના કરી છે. તેમણે કહ્યું કે આ સુધારાઓને લાગુ થવામાં સમય લાગશે કારણ કે અમે બાંગ્લાદેશનું નવેસરથી નિર્માણ કરી રહ્યા છીએ. યુનુસે ચૂંટણી લડવાની તેમની વાતને નકારી કાઢી હતી.
આ પણ વાંચો : ભારતીય મૂળના આ બાળકનો IQ આલ્બર્ટ આઈન્સ્ટાઈન કરતા પણ વધું
તેમણે કહ્યું કે, શેખ હસીનાના 15 વર્ષના કાર્યકાળમાં બાંગ્લાદેશમાં બધું બરબાદ થઈ ગયું હતું. તેમની સરકારમાં વહીવટી માળખું સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું છે. યુનુસે આરોપ લગાવ્યો કે શેખ હસીનાએ કપટી ચૂંટણીઓ કરાવી અને પોતાને અને તેમની પાર્ટીને બિનહરીફ વિજેતા જાહેર કર્યા. તેમણે ફાસીવાદી શાસક તરીકે શાસન કર્યું.

