VIDEO: ઈરાન પર અમેરિકા-ઈઝરાયલના મોટા હુમલા: બુશહરમાં શ્રેણીબદ્ધ ધડાકા વચ્ચે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે ટેલિફોનિક વાતચીત
US strikes Iran: હોર્મુઝની ખાડીમાં ઈરાન દ્વારા એક પછી એક ત્રણ કોમર્શિયલ જહાજો પર કરવામાં આવેલા હુમલા બાદ અમેરિકાએ જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી છે. છેલ્લા ત્રણ દિવસથી અમેરિકન સેના સતત ઈરાનના જુદા જુદા શહેરો અને તેમના સૈન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવી રહી છે. એવામાં હવે દક્ષિણ ઈરાનના કોનારકમાં આવેલી ઈરાની નૌસેનાના એક મહત્ત્વના ઠેકાણા પર અમેરિકા દ્વારા મોટો હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે.
ઈરાનના દરિયાકાંઠાના શહેરોમાં શ્રેણીબદ્ધ ધડાકા
ઈરાની ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, દક્ષિણ ઈરાનના અતિ મહત્ત્વના ગણાતા બંદર અબ્બાસ, બુશેહર અને ચોગાદક શહેરોમાં પ્રચંડ ધડાકાઓ સંભળાયા છે. બુશેહર અને ચોગાદકમાં જ અંદાજે છ જેટલા બોમ્બ બ્લાસ્ટ થયા છે. જોકે, ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સીએ બંદર અબ્બાસમાં થયેલા ધડાકાઓનો ઈનકાર કર્યો છે અને જણાવ્યું છે કે, એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય થવાને કારણે આ અવાજો આવ્યા હતા. તેમ છતાં, સરકારી અધિકારીઓએ સ્વીકાર્યું છે કે બુશેહર શહેરની બહાર આવેલા એક સૈન્ય અડ્ડા પર અમેરિકા અને ઈઝરાયલ તરફથી પ્રોજેક્ટાઈલ (મિસાઈલ કે રોકેટ) હુમલા કરવામાં આવ્યા છે.
અમેરિકન સેન્ટકોમની રહસ્યમય મૌન
સામાન્ય રીતે ઈરાન પર હુમલો કર્યાની થોડી જ મિનિટોમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સત્તાવાર જાહેરાત કરતી અમેરિકન સેનાની સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)એ આ તાજા હુમલા અંગે હજુ સુધી કોઈ પોસ્ટ કરી નથી. ગલ્ફ વિસ્તારમાં અમેરિકન ફાઈટર જેટ્સ ઉડી રહ્યા હોવાની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે, પરંતુ અમેરિકાએ આજના ઓપરેશન અંગે સત્તાવાર મૌન જાળવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના આ તાજા સૈન્ય એક્શનમાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છે અને 78 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જ્યારે મશહદનો રેલ સંપર્ક પણ તૂટી ગયો છે. પૂર્વ સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના અવસાનના 121 દિવસ બાદ તાજેતરમાં જ તેમને મશહદમાં દફનાવવામાં આવ્યા છે.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે ફોન પર મહત્ત્વની ચર્ચા
ઈરાન પર થઈ રહેલા આ આક્રમણની વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર લાંબી વાતચીત કરી છે. ઈઝરાયલના પીએમ ઓફિસે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, બંને નેતાઓએ ક્ષેત્રની સુરક્ષા અને આપસી વ્યૂહનીતિ અંગે તાલમેલ જાળવી રાખવા સંમતિ વ્યક્ત કરી છે. ટ્રમ્પે નેતન્યાહૂને ગલ્ફ રીજનમાં અમેરિકા દ્વારા લેવાયેલા સૈન્ય પગલાંની વિગતવાર માહિતી આપી હતી. સામે પક્ષે, નેતન્યાહૂએ ઈઝરાયલના અસ્તિત્વને લઈને તૂર્કીયેના પ્રમુખ દ્વારા આપવામાં આવેલા તાજેતરના નિવેદનો સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને પોતાની સરહદોની સુરક્ષા માટે 'સિક્યોરિટી ઝોન' અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું.
તેહરાન સાથેનો સમજૂતી કરાર સમાપ્ત
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ જ સ્પષ્ટ કરી દીધું હતું કે ઈરાન (તેહરાન) સાથે થયેલો 'ઇસ્લામાબાદ એમઓયુ' હવે સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયો છે, કારણ કે ઈરાને આંતરરાષ્ટ્રીય જળસીમામાં કોમર્શિયલ જહાજો પર હુમલા કરીને કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. ટ્રમ્પની કડક કાર્યવાહીની ચેતવણી બાદ અમેરિકન સેનાએ એક્શન મોડમાં આવીને ઈરાનના બંદર અબ્બાસ અને સીરિક સહિતના અનેક વ્યૂહાત્મક શહેરો પર હુમલા તેજ કરી દીધા છે, જેનાથી મધ્ય-પૂર્વમાં યુદ્ધની સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે.

