'અબકી બાર, 400 પાર',બ્રિટનમાં ઋષિ સુનકને સત્તામાંથી બહાર કરનાર કોણ છે કીઅર સ્ટારમર

યુકેની ચૂંટણી માટે શુક્રવારે મત ગણતરી ચાલુ છે. એક્ઝિટ પોલ અનુસાર મુખ્ય વિપક્ષી લેબર પાર્ટીએ જંગી જીત મેળવી છે. અત્યાર સુધીના પરિણામોમાં લેબર પાર્ટીએ 405 સીટો જીતી છે જ્યારે સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટી અત્યાર સુધી માત્ર 111 સીટો જ જીતી શકી છે. 650માંથી 624 સીટો માટે પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. કિઅર સ્ટારમરે જોરદાર જીત બાદ લોકોનો આભાર માન્યો છે.
જણાવી દઈએ કે, હ્યુમન રાઈટ્સ બેરિસ્ટરમાંથી લેબર પાર્ટીના નેતા બનેલા કીઅર સ્ટારમરે તેમના મેનિફેસ્ટોમાં વચન આપ્યું હતું કે તેમની પાર્ટીને જનાદેશ મળશે અને લેબર પાર્ટીના નેતૃત્ત્વ વાળી સરકાર બનશે તો તે ભારત સાથે 'નવી વ્યૂહાત્મક ભાગીદારી' આગળ ધપાવશે.
રાજકારણની દુનિયામાં પ્રવેશતા પહેલા, કીઅરે તેમની મોટાભાગની કારકિર્દી કાનૂની વ્યવસાયમાં (વકિલ) વિતાવી હતી. તેઓ પ્રથમ વખત 2015માં લંડનથી લેબર પાર્ટીના સાંસદ તરીકે ચૂંટાયા હતા. 61 વર્ષીય કીઅરના પત્ની વિક્ટોરિયા NHS (નેશનલ હેલ્થ સર્વિસ)માં કામ કરે છે અને તેમણે પોતાના બે બાળકોને લાઈમલાઈટથી દૂર રાખવાનો નિર્ણય કર્યો છે. 2019ની સામાન્ય ચૂંટણીમાં તેમના અત્યાર સુધીના સૌથી ખરાબ ચૂંટણી પ્રદર્શન પછી લેબર પાર્ટીના નસીબને ફેરવવાનો શ્રેય કીઅરને આપવામાં આવે છે.
ગયા અઠવાડિયે ઉત્તર લંડનના કિંગ્સબરીમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે બ્રિટિશ હિંદુઓને આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો કે 'બ્રિટનમાં હિન્દુફોબિયા માટે બિલકુલ સ્થાન નથી'. 14 વર્ષ સુધી વિપક્ષમાં રહ્યા બાદ લેબર પાર્ટીને ફરી સત્તામાં લાવવાના ઉદ્દેશ્ય સાથે તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી દિવાળી અને હોળી પર આ મેસેજ સતત દોહરાવી રહ્યા હતા.
ઋષિ સુનકની જેમ કીઅર પણ ઑક્સફર્ડ યુનિવર્સિટીનું બેકગ્રાઉન્ડ ધરાવે છે. અહીંથી કાયદાનો અભ્યાસ કરીને લેબર પાર્ટીની આગેવાની હેઠળની સરકારમાં ડાયરેક્ટર ઑફ પબ્લિક પ્રોસિક્યુશન (ડીપીપી) ના પદે પહોંચ્યા. 2019ની સામાન્ય ચૂંટણીમાં હાર બાદ તેઓ પાર્ટીના નેતા તરીકે ઉભરી આવ્યા હતા. કીઅરે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેણે પોતાની જાતને અગાઉની પાર્ટી લાઇનથી દૂર કરી દીધી છે અને તેમના નેતૃત્વ હેઠળ લેબર પાર્ટીના મેનિફેસ્ટોમાં ઘર નિર્માણ, અર્થતંત્ર અને NHSને ઠીક કરવા જેવી બાબતો અંગે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
બ્રિટનની ચૂંટણીમાં જોરદાર જીત બાદ કિઅર સ્ટારમરે મીડિયાને સંબોધતા કહ્યું કે, આ એ પરિણામ છે જેના માટે તમે પ્રચાર કર્યો, આ તે છે જેના માટે તમે લડ્યા.પરિવર્તનનો પવન હવેથી શરૂ થયો છે. સાચું કહું તો આ એક બદલાયેલી લેબર પાર્ટી છે, જે દેશની સેવા કરવા તૈયાર છે. જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં લિબરલ ડેમોક્રેટ્સે 60 બેઠકો, સ્કોટિશ નેશનલ પાર્ટીએ સાત બેઠકો અને રિફોર્મ યુકેએ ચાર બેઠકો જીતી છે. જ્યારે ગ્રીન પાર્ટી અત્યાર સુધી માત્ર એક જ સીટ જીતવામાં સફળ રહી છે.
યુકે ચૂંટણીના પરિણામો દરમિયાન જ્યારે ઋષિ સુનકે હારની જવાબદારી લીધી હતી. તે સમયે, પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, અપક્ષ ઉમેદવાર નિકો ઓમિલાના પાસે એલ લખેલું પેમ્ફલેટ હતું, જે તેમણે પ્રેસને બતાવ્યું. આ L પ્રતીક લિબરલ પાર્ટીનું પ્રતિનિધિત્વ કરે છે, જે સત્તામાં બનવા જઈ રહી છે. સામાન્ય ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શન વચ્ચે વડાપ્રધાન ઋષિ સુનકે પોતાની હાર સ્વીકારી લીધી છે. તેણે પોતે આ હારની જવાબદારી લીધી છે. તેણે કહ્યું કે હું આ હારની જવાબદારી લઉં છું અને કિઅર સ્ટારમરને જીત માટે અભિનંદન આપું છું.

