VIDEO: ઇસ્લામાબાદની 20,000 શિપિંગ કન્ટેનરોથી જડબેસલાક કિલ્લેબંદી
જેલમાં બંધ પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની મુક્તિ માટે તેમના પક્ષ પાકિસ્તાન તેહરીકે ઇન્સાફનાં કાર્યકરો અને સમર્થકો ૨૭ સપ્ટેમ્બરથી ઇસ્લામાબાદમાં દેખાવો શરૂ કરવાના છે. જેના પગલે પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઇસ્લામાબાદની ઓછામાં ઓછા ૨૦ હજાર શિપિંગ કન્ટેનરોથી કિલ્લેબંદી કરવામાં આવી છે. આ કન્ટેનરોને વેલ્ડિંગ કરી એકબીજા સાથે જોડી દેવામાં આવ્યા છે. આ કન્ટેનરોની બહારની બાજુ કાંટાળી વાડ લગાવવામાં આવી છે. પાક. મીડિયા અનુસાર શહબાઝ શરીફ સરકાર અને તેમનું વહીવટી તંત્ર પીટીઆઇનાં દેખાવોની જાહેરાતથી ગભરાઇ ગયું છે. હોસ્પિટલોમાં વિશેષ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. બ્લડ બેગની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. પીટીઆઇનાં દેખાવોને જમાતે ઇસ્લામી અને ખેડૂત સંગઠનોએ પણ ટેકો આપવાની જાહેરાત કરી છે. વહીવટી તંત્રે પ્રસ્તાવિત માર્ચ અને દેખાવો અગાઉ રાજધાની ઇસ્લામાબાદમાં પ્રવેશ કરનારા મુખ્ય માર્ગોને બંધ કરવાનું શરૂ કરી દીધું છે.

