ઈઝરાયલે ગાઝા બાદ વધુ એક મુસ્લિમ દેશ પર કર્યો મોટો હુમલો, 13ના મોતથી સ્થિતિ વણસી

ગાઝા બાદ ઈઝરાયલે વધુ એક મુસ્લિમ દેશ પર હુમલો કર્યો છે. ઇઝરાયેલે દક્ષિણ સીરિયાના એક ગામને નિશાન બનાવ્યું છે.ગામમાં રાત્રિના સમયે સર્ચ ઓપરેશન દરમિયાન ગોળીબારમાં ઓછામાં ઓછા ૧૩ લોકોના મોત થયા છે. સીરિયન સમાચાર એજન્સીએ આ વાતની પુષ્ટિ કરી. સીરિયન વિદેશ મંત્રાલયે ઇઝરાયેલની આ કાર્યવાહીની નિંદા કરી. સીરિયન વહીવટીતંત્રે તેને યુદ્ધ ગુનો ગણાવતા કહ્યું કે, ઇઝરાયલ ફરી એકવાર આ ક્ષેત્રને અશાંત કરવા અને હિંસાની આગ ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા ઇયાદ તાહિરે કહ્યું, "અમે ગઈકાલે રાત્રે સૂઈ ગયા હતા અને સવારે ઓચિંતાના ભયંકર ગોળીબારથી જાગી ગયા. જ્યારે અમે બહાર નીકળ્યા તો ગામમાં ઇઝરાયલી લશ્કરી કાર્યવાહી જોઈ. ચારે બાજુ સૈનિકો અને ટેન્ક તૈનાત કરવામાં આવ્યા હતા. એ પછી હવાઈ બોમ્બમારો શરૂ થયો. હોસ્પિટલમાં દાખલ અહેમદ કમાલે જણાવ્યું કે તેણે પણ સ્વ-બચાવમાં ગોળીબાર કર્યો. અહેમદે કહ્યું કે ગોળીબારીમાં તેના ભાઈનું મોત થયું અને તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો.
ઇઝરાયલી સેનાએ દાવો કર્યો છે કે ગામમાથી જામા ઈસ્લામિયા ગ્રૂપના ખતરનાક આતકીઓને પકડ્યા છે. આ ઈસ્લામિક સંગઠન પણ હમાસ અને હૂથીઓની સાથે મળીને ઇઝરાયલ વિરુદ્ધ કાવતરું પણ ઘડી રહ્યું હતું. IDF મુજબ તેના છ સૈનિકો પણ ઘાયલ થયા હતા. સેનાએ દાવો કર્યો હતો કે આ કાર્યવાહીમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે. આ વિસ્તારમાં હજુ પણ સૈનિકો તૈનાત છે.
બશર અલ-અસદની સરકારના પતન અને ત્યારબાદ નવી ઇસ્લામિક સરકારની રચના પછી ઇઝરાયલે સીરિયામાં સેંકડો હુમલા કર્યા છે. ઇઝરાયલે બફર ઝોનમાં પણ તેના સૈનિકો તૈનાત કર્યા છે. ઇઝરાયલે સીરિયન ગોલાન હાઇટ્સ પર પણ કબજો કર્યો છે. સ્થાનિક સમાચાર એજન્સી અનુસાર, ગામલોકો સૈનિકોનો સામનો કરવા માટે સશસ્ત્ર બહાર આવ્યા હતા, જેમાંથી ઘણા માર્યા ગયા હતા.
સીરિયન વિદેશ મંત્રાલયે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ હુમલો એક ભયાનક નરસંહાર હતો.મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. ઇઝરાયલી સેનાએ દાવો કર્યો હતો કે,તેમના સૈનિકોએ ગામલોકોના હુમલાનો વળતો જવાબ આપ્યો છે. સાથે હવાઈ હુમલો પણ કર્યો છે. અત્યારે કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે. બધા શંકાસ્પદોને પકડી લેવાયા છે. ઘણાં આતંકવાદીઓ માર્યા ગયા છે. બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો નથી. જો કે, બંને પક્ષો તણાવ ઘટાડવા માટે સંભવિત સુરક્ષા કરાર પર વાટાઘાટો કરી રહ્યા છે.
સીરિયન અધિકારીઓએ ઇઝરાયલી ઘુસણખોરીની નિંદા કરી હતી અને તેને સીરિયન સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. સીરિયન સરકારે શુક્રવારે આંતરરાષ્ટ્રીય સમુદાયને ઇઝરાયલી ઘુસણખોરીને રોકવા માટે "તાત્કાલિક પગલાં" લેવા હાકલ કરી હતી. ગામના સ્થાનિક અધિકારી વાલિદ ઓકાશાએ એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે માર્યા ગયેલા લોકો સામાન્ય નાગરિકો હતા.

