અમેરિકાના ન્યાયિક તંત્રમાં ઐતિહાસિક ચુકાદો, ભારતીય મૂળના વકીલે ટ્રમ્પના 'ટેરિફ સામ્રાજ્ય'ને હચમચાવી દીધું!
અમેરિકાના ન્યાયિક ઇતિહાસમાં એક ખૂબ જ મહત્ત્વનો અને મોટો

અમેરિકાના ન્યાયિક ઇતિહાસમાં એક ખૂબ જ મહત્ત્વનો અને મોટો ઉલટફેર જોવા મળ્યો છે. અમેરિકન સુપ્રીમ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો આપતા તેમના ટેરિફ લાદવાના નિર્ણયને રદ કરી દીધો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જનતા પર ટેરિફ કે ટેક્સ લગાવવાનો અધિકાર માત્ર કોંગ્રેસ (સંસદ) પાસે છે, અમેરિકન પ્રમુખ પાસે નહીં. આ ઐતિહાસિક ચુકાદામાં ટ્રમ્પ વિરુદ્ધ કાનૂની લડાઈ લડવાનો શ્રેય એક ભારતીય મૂળના ધારાશાસ્ત્રી નીલ કાત્યાલને જાય છે. કાત્યાલ ભૂતકાળમાં બરાક ઓબામાના શાસનકાળ દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ તરીકે સેવા આપી ચૂક્યા છે.
નાના વેપારીઓની લડાઈ અને નીલ કાત્યાલની મજબૂત રજૂઆત
નીલ કાત્યાલે સુપ્રીમ કોર્ટમાં 1977ના 'ઈન્ટરનેશનલ ઈમરજન્સી ઈકોનોમિક પાવર્સ એક્ટ'ના દુરુપયોગ અંગે દલીલો રજૂ કરી હતી. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે, ટ્રમ્પનો આ નિર્ણય સંપૂર્ણપણે ગેરબંધારણીય છે. કોર્ટના ચુકાદા બાદ કાત્યાલે ગર્વ સાથે કહ્યું કે, 'આજે અમેરિકામાં કાયદાનું શાસન સર્વોપરી સાબિત થયું છે. પ્રમુખ ગમે તેટલા શક્તિશાળી હોય, પરંતુ તેઓ બંધારણથી ઉપર નથી.' આ કેસ નાના વેપારીઓએ સાથે મળીને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચાડ્યો હતો, જેની રજૂઆત કાત્યાલે એટલી મજબૂત રીતે કરી કે કોર્ટે બંધારણીય મર્યાદાઓને પ્રાધાન્ય આપ્યું.ફોર્બ્સની યાદીમાં સ્થાન: વિશ્વના સૌથી પ્રભાવશાળી વકીલોમાં ગણના
લઘુમતી વકીલ તરીકે અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં સૌથી વધુ કેસ લડનારા તેઓ પ્રથમ વ્યક્તિ છે. અગાઉ તેમણે વોટિંગ રાઈટ એક્ટ અને ટ્રમ્પના ટ્રાવેલ બેન વિરુદ્ધ પણ મજબૂત લડાઈ લડી હતી. તેમની અસાધારણ સેવાઓ માટે અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા તેમને નાગરિક સન્માન પણ આપવામાં આવ્યું છે અને ફોર્બ્સ જેવી સંસ્થાઓએ પણ તેમને વિશ્વના ટોચના વકીલોની યાદીમાં સ્થાન આપ્યું છે.






