VIDEO: દુબઈ- અબુધાબીમાં ભારે વરસાદ, બુર્જ ખલીફા પર વીજળી પડી- પર્યટન સ્થળો બંધ; ફ્લાઈટ્સ રદ
ખાડી દેશ UAE ( સંયુક્ત આરબ અમીરાત )માં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. રણ ધરાવતા આ દેશમાં શુક્રવારે ઘણા વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસ્યો. જેનાજેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
દુબઈ અને અબુધાબીમાં ઠેર ઠેર પાણી ભરાયા
વીજળીના કડાકા ભડાકા સાથે થતાં વરસાદના કારણે લોકોને ઘરોમાં જ રહેવા સલાહ આપવામાં આવી છે. મિડલ ઈસ્ટમાં આટલો વરસાદ ભાગ્યે જ જોવા મળે છે. એવામાં વેકેશનના સિઝનમાં વરસાદના કારણે ચિંતા વધી છે. ગયા વર્ષ 2024માં જ દુબઈ આબે અબુ ધાબીમાં આવો જ વરસાદ જોવા મળ્યો હતો.
વાવાઝોડા સાથે વરસાદના કારણે પરિસ્થિતિ વણસી
દુબઈમાં ગુરુવાર રાતથી જ ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો. જ્યારે UAEના પાટનગર અબુધાબીમાં આખી રાત વાવાઝોડું આવ્યું. શુક્રવાર સવાર સુધીમાં અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા હતા. દુબઈમાં તમામ સરકારી કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમના આદેશ અપાયા હતા. અબુધાબીમાં પણ તંત્રએ સૂચના આપી હતી કે બપોરે 2 વાગ્યા સુધી જરૂરી કામ ન હોય તો સૌ કોઈ ઘરે જ રહો.
ભારતના યુવકનું નિધન
ભારે વરસાદમાં ભારતના એક યુવકનું દુ:ખદ મૃત્યુ પણ થયું છે. રાસ અલ ખૈમાહમાં દીવાલ ધરાશાયી થતાં 27 વર્ષના સલમાન ફરીઝનું નિધન થયું છે. સલમાન કેરળના મલ્લપુરમનો વતની હતો. ગલ્ફ ન્યૂઝના અહેવાલ અનુસાર સલમાન કેફેમાં કામ કરતો હતો અને રાત્રિના 3 વાગ્યે ઓર્ડર ડિલિવર કરવા માટે ગયો હતો. જોકે ભારે વરસાદના કારણે બાઈક બંધ પડી જતાં તેણે મેનેજરને ફોન કર્યો. જે બાદ એક નિર્માણાધીન ઈમારતની દીવાલ ધરાશાયી થતાં સલમાનનું નિધન થયું.
બીચ, પાર્ક, પર્યટન સ્થળો બંધ; ફ્લાઈટ્સ રદ
સાવચેતીના ભાગરૂપે બીચ, પાર્ક અને પર્યટન સ્થળો પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. ભારે વરસાદના અનેક ફ્લાઈટ્સ રદ થતાં ક્રિસમસ વેકેશનમાં ઘરે જતાં લોકો હેરાન પરેશાન થયા હતા. નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી દુબઈ જેવા શહેરોમાં વાદળ ફાટવા જેવી ઘટનાઓ વધી રહી છે. એપ્રિલ 2024માં જ આ જ પ્રકારે અતિભારે વરસાદ વરસતા રસ્તાઓ પાણીમાં ડૂબ્યાં હતા.
બુર્જ ખલીફા પર વીજળી પડી
દુબઈમાં ભારે વરસાદ વચ્ચે બુર્જ ખલીફા પર વીજળી પણ પડી હતી. દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિ અલ મકતૂમે વીજળી પડવાનો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે.

