VIDEO: બેલ્જિયમના ભોંયરામાંથી મળ્યા રૂ. 100 કરોડના સોનાના સિક્કા અને બાર
કલ્પના કરો કે તમે તમારા જૂના મકાનના ભોંયરામાં ગટરની પાઇપ નાખવા માટે ખોદકામ કરી રહ્યા છો અને અચાનક દિવાલમાંથી ઈંટોની જગ્યાએ સોનાના ચમકતા બિસ્કિટ અને સિક્કાનો ઢગલો બહાર આવવા લાગે છે, તો તમને કેવું લાગે? બેલ્જિયમના પૂર્વ ફ્લેન્ડર્સ વિસ્તારમાં આવેલા ડેન્ડરમોન્ડે શહેરમાં એક જૂની મિલકતનું સમારકામ ચાલી રહ્યું હતું. બાંધકામ ટીમ ત્યાં નવી ગટર લાઇન નાખવા માટે ભોંયરાના પાયામાં ખોદકામ કરી રહી હતી. આ ટીમમાં 18 વર્ષનો એક યુવાન વિદ્યાર્થી કોબે પણ હતો, જે વેકેશન દરમિયાન નોકરી કરી રહ્યો હતો. કામ દરમિયાન અચાનક દિવાલમાંથી પીળી ચમકતી ધાતુ દેખાવા લાગી. શરૂઆતમાં કોબેને લાગ્યું કે આ માત્ર 1ના સામાન્ય સિક્કા હશે, પરંતુ જેમ-જેમ વધુ ખોદકામ થયું તેમ-તેમ સોનાના બિસ્કિટ (ગોલ્ડ બાર) અને સિક્કાઓથી ભરેલી પ્લેટો બહાર આવવા લાગી. થોડી જ વારમાં સ્પષ્ટ થઈ ગયું કે આ કોઈ નાનો-સૂનો નહીં, પરંતુ અબજો રૂપિયાનો અઢળક ખજાનો છે.

