ના હોય! 20 વર્ષથી પિતાએ પોતાના પુત્રથી છુપાવી રાખી અમીરી, કારણ જાણશો તો હેરાન થશો

ચીનમાંથી પેરેન્ટિંગનો એક ખૂબ જ રસપ્રદ અને આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. એક મોટી ચાઈનીઝ બ્રાન્ડ અને કરોડો રૂપિયાની પ્રોપર્ટીના માલિકે 20 વર્ષ સુધી પોતાના પુત્રથી પોતે અમીર હોવાની હકીકત છુપાવીને રાખી હતી. એવું કહેવાય છે કે પુત્રે યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂરો કર્યો ત્યાં સુધી તેને આ વાતની જાણ જ નહોતી. હવે પુત્રને ખબર પડતાં આ મામલો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. પ્રખ્યાત નાસ્તાની બ્રાન્ડના માલિકના પુત્ર 24 વર્ષીય ઝાંગ ઝિલોંગે જણાવ્યું છે કે તેને ગ્રેજ્યુએશન પહેલા ખબર નહોતી કે તેના પિતા એક ધનિક બિઝનેસમેન છે. તેના કરોડપતિ પિતા ઝાંગ યાઓડુંગે 20 વર્ષ સુધી તેની આર્થિક સ્થિતિને છુપાવી રાખી હતી જેથી કરીને તે પોતાના જીવનમાં સફળતા હાંસલ કરવા સખત મહેનત કરી શકે.
પિતાનું સત્ય જાણ્યા પછી પુત્રને પોતાના નસીબ પર વિશ્વાસ ન આવ્યો. જણાવી દઈએ કે 51 વર્ષીય ઝાંગ સિનિયર હુનાન સ્પાઈસી ગ્લુટેન લેટિયાઓ બ્રાન્ડ માલા પ્રિન્સના ફાઉન્ડર અને ચેરમેન છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ બ્રાન્ડ દર વર્ષે 600 મિલિયન યુઆન એટલે કે 83 મિલિયન યુએસ ડોલરની પ્રોડક્ટ બનાવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઝાંગ જૂનિયરનો જન્મ થયો એ જ વર્ષે આ બ્રાન્ડ બનાવવામાં આવી હતી.
ઝાંગ જિલોંગના જણાવ્યા મુજબ, તે પિંગજિયાંગ કાઉન્ટીમાં એક સામાન્ય ફ્લેટમાં ઉછર્યો હતો. ઝાંગ જિલોંગે જણાવ્યું કે તેને હંમેશા કહેવામાં આવતું હતું કે કંપની ચલાવવા માટે તેણે મોટી લોન લેવી પડી છે. પુત્રને સત્યતાની ખાત્રી કરાવ્યા પછી ઝાંગ સિનિયર હવે તેના પુત્ર અને પરિવાર સાથે નવા મકાનમાં રહે છે, જેની કિંમત 1.4 મિલિયન ડોલર હોવાનું કહેવાય છે.

