Israel Lebanon Conflict: ઈઝરાયેલમાં એક અઠવાડિયા માટે ઈમરજન્સી જાહેર, અમેરીકાએ મિડલ ઈસ્ટમાં મોકલ્યા સૈનિકો

લેબેનોનમાં ‘ઈલેક્ટ્રોનિક્સ’ વિસ્ફોટો થયા બાદ હિઝબુલ્લા અને ઈઝરાયેલ વચ્ચે મહાયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. ઈઝરાયેલે દેશમાં એક સપ્તાહ માટે ઈમરજન્સી જાહેર કરી છે. ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ 30 સપ્ટેમ્બર સુધી સમગ્ર દેશમાં 'સ્પેશિયલ હોમ ફ્રન્ટ સિચ્યુએશન'ની જાહેરાત કરી છે. આ સાથે લેબનોનના લોકોને સલામત સ્થળે જવા માટે અપીલ કરવામાં આવી છે. હિઝબુલ્લાહને ખતમ કરવા માટે ઈઝરાયેલ લેબનોનમાં સતત હવાઈ હુમલાઓ કરી રહ્યું છે.
ઇઝરાયેલ અને હિજબુલ્લાહ વચ્ચે વધી રહેલી હિંસાથી અત્યંત ચિંતિત- UN
યુએનએ કહ્યું કે તેઓ લેબનોનમાં ઇઝરાયેલ અને હિજબુલ્લાહ વચ્ચે વધી રહેલી હિંસાથી અત્યંત ચિંતિત છે.યુએનના માનવાધિકાર વિભાગના પ્રવક્તા રવીના શમદાસાનીએ કહ્યું કે, અમે લેબનોનમાં તણાવ વધવાથી ખૂબ જ ચિંતિત છીએ, અમે કોમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ્સ, પેજર્સ પર જે હુમલા જોયા છે તે અત્યંત ગંભીર છે. ત્યારબાદ બંને તરફથી રોકેટ હુમલાઓ થયા છે. આ કારણે બંને વચ્ચે સંઘર્ષ વધતો જણાઈ રહ્યો છે.
અમેરિકાએ તેના સૈનિકો મોકલ્યા
લેબનોન અને ઈઝરાયેલ વચ્ચે વધી રહેલા તણાવને જોતા અમેરિકાએ પોતાના સૈનિકોને મધ્ય પૂર્વમાં મોકલવાનું શરૂ કરી દીધું છે. જોકે હાલની સ્થિતિની વાત કરીએ તો બહુ ઓછા સૈનિકો મોકલવામાં આવી રહ્યા છે.
10 હજાર લેબનીઝ દક્ષિણ ભાગ તરફ ભાગ્યા
ઈઝરાયેલના હુમલાના ડરથી 10 હજાર લેબનીઝ દક્ષિણ ભાગ તરફ ભાગ્યા છે. જેના કારણે સિડોનની બહાર મુખ્ય હાઇવે પર કારની લાંબી કતારો લાગી ગઈ છે. આ ઉપરાંત, સરકારે દેશના મોટાભાગના ભાગોમાં શાળાઓ અને યુનિવર્સિટીઓને બંધ કરવાનો આદેશ આપ્યો છે. 2006માં ઇઝરાયેલ અને લેબનોન વચ્ચેના યુદ્ધ બાદ આ સૌથી મોટું સ્થળાંતર માનવામાં આવે છે.

