Donald Trump: અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પને આપ્યો ફટકો, ગ્લોબલ ટેરિફને કર્યો રદ્દ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે શુક્રવારે (20 ફેબ્રુઆરી) પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા ગ્લોબલ ટેરિફને રદ્દ કરી દીધો. અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ટેરિફ પર ચુકાદો આપ્યો છે, તેમને ગેરકાયદેસર જાહેર કર્યા છે. ટ્રમ્પે લગભગ તમામ વિદેશી વેપાર ભાગીદારો પર ટેરિફ લાદ્યા હતા. નીચલી અદાલતોએ તેમના ચુકાદામાં ચુકાદો આપ્યો હતો કે ટ્રમ્પે તેમના અધિકારક્ષેત્રનો ભંગ કર્યો છે. હવે, સુપ્રીમ કોર્ટે પણ આ બાબતે પોતાનો ચુકાદો આપ્યો છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને ડોનાલ્ડ ટ્રમ્પના આર્થિક એજન્ડાના એક મહત્ત્વપૂર્ણ મુદ્દે હાર માનવામાં આવી રહી છે.
ટ્રમ્પને ટેરિફ લગાવવાનો અધિકાર નહીં: US સુપ્રીમ કોર્ટ
અમેરિકાની સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ટ્રમ્પ દ્વારા દુનિયાના દેશો પર લગાવવામાં આવેલ ટેરિફ ગેરકાયદે છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવ્યો કે પ્રમુખ ડ્રમ્પે નેશનલ ઇમરજન્સી માટે રખાયેલા કાયદાનો ઉપયોગ કરીને મોટો ટેરિફ લગાવીને પોતાના અધિકારનું ઉલ્લંઘન કર્યું.
'કાયદો પ્રેસિડેન્ટને ટેરિફ લગાવવાનો અધિકાર નથી આપતો.'
કોર્ટે કહ્યું કે, 'કાયદો પ્રેસિડેન્ટને ટેરિફ લગાવવાનો અધિકાર નથી આપતો.' ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સના 6-3ના ચુકાદામાં કોર્ટે નીચલી કોર્ટના તે નિર્ણયને યોગ્ય ગણાવ્યો જેમાં કહેવાયું હતું કે, ટ્રમ્પે મોટા પ્રમાણમાં ઇમ્પોર્ટ ટેક્સ લગાવવા માટે ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA)નો ઉપયોગ કરીને પોતાના અધિકારનો દુરૂપયોગ કર્યો.
1977માં બનેલો આ કાયદો, પ્રેસિડેન્ટને નેશનલ ઇમરજન્સી દરમિયાન કોમર્સને રેગુલેટ કરવાની મંજૂરી આપે છે, પરંતુ તેમાં ટેરિફનો સ્પષ્ટ રીતે ઉલ્લેખ નથી.
રૉયટર્સના અનુસાર, ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સના ચુકાદામાં લખ્યું કે, 'પ્રમુખને ટેરિફ લગાવવાની પોતાની ખાસ શક્તિના દાવાને સાચો ગણાવવા માટે કોંગ્રેસથી મળેલી સ્પષ્ટ મંજૂરી બતાડવી પડશે. તેઓ એવું નથી કરી શકતા.' આ નિર્ણયે ટ્રમ્પે બીજા ટર્મના ઇકોનોમિક એજન્ડાના એક મહત્ત્વના ભાગને નબળો કરી દીધો છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદાના કારણે ઉભા થયા કેટલાક મહત્વના સવાલો
1. ટેરિફના રિફંડ લેવા માટે અમેરિકાની કોર્ટમાં સેંકડો અરજીઓ થયેલી છે. આ ચુકાદામાં રિફંડ અંગે કોઈ ઉલ્લેખ નથી.
2. ટ્રેડ ડીલ જાહેર થયા છે પણ તેના પેપર વર્ક અને હસ્તાક્ષર બાકી છે એવા કિસ્સામાં આ ચુકાદાની અસર શું આવશે?
3. અમેરિકાની વિદેશ નીતિનો અત્યારે સૌથી મોટો આધાર ટેરિફ હતા. મિત્ર અને અન્ય દરેક દેશો ઉપર ટેરિફનું શાસ્ત્ર ઉગામી ટ્રમ્પ ધાર્યું કરાવી રહ્યા હતા. આ ચુકાદાના કારણે અમેરિકાની વિદેશ નીતિને પણ એક ફટકો પડી શકે છે.

