એપસ્ટિન ફાઈલ્સ જાહેર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રથમ વખત આપી પ્રતિક્રિયા, ફાઈલો અંગે કરી ચિંતા વ્યક્ત

અમેરિકાના કુખ્યાત યૌન અપરાધી જેફરી એપસ્ટીન સાથે જોડાયેલી તપાસ ફાઈલો જાહેર થવાને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે 22 ડિસેમ્બરે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે ભૂતકાળમાં જે નિર્દોષ લોકો એપસ્ટીનને મળ્યા હતા, આ ફાઈલોના કારણે તેમની પ્રતિષ્ઠા ખોટી રીતે ખરાબ થવાનું જોખમ છે.
'રિપબ્લિકન પાર્ટીની સફળતાથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ'
અમેરિકન ન્યાય વિભાગ(DOJ) દ્વારા શુક્રવારથી આ ગુપ્ત ફાઈલો જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ મુદ્દે પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપતા ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું કે, 'એપસ્ટીન સાથે જોડાયેલો આ સમગ્ર મામલો રિપબ્લિકન પાર્ટીની જબરદસ્ત સફળતા પરથી લોકોનું ધ્યાન હટાવવાની એક ચાલ છે.'
બિલ ક્લિન્ટનની તસવીરો પર ટ્રમ્પનું નિવેદન
ન્યાય વિભાગે જાહેર કરેલી તસવીરોના પ્રથમ બેચમાં પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન મુખ્યત્વે જોવા મળ્યા છે. આ અંગે પૂછવામાં આવતા ટ્રમ્પે કહ્યું કે, 'મને બિલ ક્લિન્ટન પસંદ છે અને તેમની સાથે મારા હંમેશા સારા સંબંધો રહ્યા છે. તેમની તસવીરો આ રીતે સામે આવતી જોઈને મને દુઃખ થાય છે.'
ટ્રમ્પે વધુમાં સ્વીકાર્યું કે, 'મારી પોતાની પણ એપસ્ટીન સાથેની તસવીરો છે. તે સમયે દરેક વ્યક્તિ આ માણસ(એપસ્ટીન) સાથે મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવતી હતી.' ટ્રમ્પે ક્લિન્ટન અને અન્ય હસ્તીઓની તસવીરો જાહેર કરવા સામે વાંધો ઉઠાવતા તેને 'ભયાનક બાબત' ગણાવી હતી. જોકે, તેમણે એમ પણ કહ્યું કે ક્લિન્ટન એક મોટા ગજાના નેતા છે અને તેઓ આ સ્થિતિને સંભાળી લેશે.
નિર્દોષ લોકો ફસાશે તેવી ભીતિ
ડોનાલ્ડ ટ્રમ્પે આ ફાઈલો જાહેર થવા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ દસ્તાવેજોમાં એવા અનેક પ્રતિષ્ઠિત બેન્કરો, નામાંકિત વકીલો અને અન્ય મહાનુભાવોની તસવીરો હોઈ શકે છે, જેઓ વર્ષો પહેલા માત્ર એક સામાજિક શિષ્ટાચારના ભાગરૂપે અથવા નિર્દોષ ભાવે જેફરી એપસ્ટીનને મળ્યા હતા. ટ્રમ્પના મતે, કોઈ વ્યક્તિ માત્ર કોઈ પાર્ટીમાં સાથે જોવા મળે અથવા તસવીરમાં સાથે હોય તેના આધારે તેની વર્ષોની કમાયેલી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવું એ ઘોર અન્યાય છે. તેમણે વધુમાં દાવો કર્યો હતો કે, લોકોમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે જે લોકોનો એપસ્ટીનના ગુનાહિત કૃત્યો સાથે વાસ્તવમાં કોઈ જ લેવાદેવા નથી, તેમની છબી પણ આ વિવાદને કારણે ખોટી રીતે ખરડાઈ રહી છે.
શું હતો એપસ્ટીન કેસ?
નોંધનીય છે કે ધનાઢ્ય ફાયનાન્સર જેફરી એપસ્ટીન પર સગીરાઓની જાતીય તસ્કરીના ગંભીર આરોપો હતા. 2019માં ન્યૂયોર્કની જેલમાં ટ્રાયલની રાહ જોતી વખતે તેનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું, જેને સત્તાવાર રીતે આત્મહત્યા જાહેર કરવામાં આવી હતી.

