VIDEO: ફ્લાયદુબઈ પ્લેન ક્રેશની કોશિશ પર ‘કોમેડી ફિલ્મ’ બનવી જોઈએ! પાકિસ્તાનના પૂર્વ રાજદૂત અબ્દુલ બાસિતનું વિવાદાસ્પદ નિવેદન
ફ્લાયદુબઈ (Flydubai) ફ્લાઇટને ક્રેશ કરાવવાના પ્રયાસની ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા ઊભી કરી છે. પરંતુ ભારત ખાતે પાકિસ્તાનના પૂર્વ રાજદૂત રહેલા અબ્દુલ બાસિતે આ ઘટનાને લઈને એવું નિવેદન આપ્યું છે, જેના કારણે વિવાદ સર્જાયો છે. પાકિસ્તાની ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં વાત કરતા બાસિતે કથિત આતંકવાદી ઘટનાને ‘કોમેડી ફિલ્મ’ સાથે સરખાવી હતી.
ટીવી કાર્યક્રમમાં હસતા-હસતા આપ્યું નિવેદન
અબ્દુલ બાસિત પાકિસ્તાની ન્યૂઝ ચેનલ ABN Newsના કાર્યક્રમમાં એક્સપર્ટ તરીકે હાજર હતા. એન્કરે તેમને સવાલ કર્યો હતો કે ફ્લાયદુબઈની ફ્લાઇટને ખરેખર હાઇજેક (Hijack) કરવાનો પ્રયાસ થયો હતો કે પછી મામલો કંઈક અલગ હતો?
સવાલનો જવાબ આપતા બાસિત શરૂઆતમાં સ્મિત કરતા જોવા મળ્યા. ત્યારબાદ તેમણે કહ્યું કે આ સમગ્ર ઘટનાને લઈને ફિલ્મ બનવી જોઈએ. વાત આગળ વધારતા તેમણે કહ્યું કે આ કદાચ ‘કોમેડી ફિલ્મ’ હશે, કારણ કે ઘટનામાં તેમને ‘કોમેડી વધારે’ લાગી રહી છે.
‘થૅન્ક ગોડ, ટ્રેજેડી થઈ નથી’
બાસિતે પોતાની વાતને સંતુલિત કરવાનો પ્રયાસ કરતા કહ્યું કે આ ઘટનામાં કોઈ મોટી ટ્રેજેડી થઈ નથી. જોકે, આ દરમિયાન પણ તેઓ વારંવાર હસતા જોવા મળ્યા હતા.
તેમણે એવો દાવો પણ કર્યો કે આ ઘટનાને ઇઝરાયેલ અને ભારત જે રીતે રજૂ કરી રહ્યા છે તે અંગે કેટલાક આંતરરાષ્ટ્રીય મીડિયા હાઉસ પણ સવાલો ઉઠાવી રહ્યા છે. બાસિતે CNN સહિતના મોટા મીડિયા ચેનલોનો ઉલ્લેખ કરીને કહ્યું કે તેઓ કથિત રીતે ઇઝરાયેલની થિયરી અને ભારત તરફથી કરવામાં આવી રહેલી રજૂઆતને પડકારી રહ્યા છે.
2014થી 2017 સુધી ભારતમાં રાજદૂત રહ્યા
અબ્દુલ બાસિત 2014થી 2017 દરમિયાન ભારતમાં પાકિસ્તાનના હાઈ કમિશનર (High Commissioner) તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. રાજદ્વારી કારકિર્દી બાદ તેઓ પાકિસ્તાની ન્યૂઝ ચેનલો પર આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે પોતાની ટિપ્પણીઓ આપતા જોવા મળે છે.
ફ્લાયદુબઈ ઘટનાને લઈને તેમના નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો છે. ખાસ કરીને ગંભીર ઘટના અંગે હસતા-હસતા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને તેમની ટીકા થઈ રહી છે.
ગંભીર ઘટનાને ‘કોમેડી’ ગણાવતા વિવાદ
વિમાન સાથે જોડાયેલી કોઈપણ કથિત હાઇજેક અથવા ક્રેશની કોશિશ ગંભીર સુરક્ષા મુદ્દો માનવામાં આવે છે. આવી ઘટનામાં મોટી જાનહાનિની શક્યતા રહેતી હોય છે. તેથી બાસિત દ્વારા તેને ‘કોમેડી ફિલ્મ’ સાથે સરખાવવાની ટિપ્પણીને લઈને સવાલો ઊભા થયા છે. બીજી તરફ, બાસિતે ઘટનાની સત્તાવાર રજૂઆત અંગે સવાલો ઉઠાવ્યા છે અને ભારત-ઇઝરાયેલના દાવાઓ પર શંકા વ્યક્ત કરી છે.

