જાણો કેમ ચીનની કંપનીઓએ પાકિસ્તાનમાં ડેમ પ્રોજેક્ટ્સ પર કામ કર્યું સ્થગિત

ચીનની કંપનીઓએ ખૈબર પખ્તુનખ્વામાં ડેમ પ્રોજેક્ટ્સ પર કામ સ્થગિત કર્યું છે. ચીનની કંપનીઓએ 'સુરક્ષાની ચિંતાઓ'ને કારણે ખૈબર પખ્તુનખ્વામાં ડેમ પ્રોજેક્ટ્સ પર કામ સ્થગિત કર્યું છે.
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આત્મઘાતી હુમલામાં પાંચ ચીની એન્જિનિયરોના મોત થયાના દિવસો પછી ચીની કંપનીઓએ અસ્થાયી ધોરણે દાસુ અને દિયામેર-ભાશા ડેમ સાઇટ્સ પર સિવિલ વર્ક અટકાવી દીધું છે. સુરક્ષાની ચિંતાઓને કારણે આ કામ સ્થગિત કરાયાનું અહેવાલો દ્વારા જાણવા મળી રહ્યું છે. તરબેલા પાંચમા વિસ્તરણ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનું કામ પણ સ્થગિત કર્યાના એક દિવસ પછી આ સમાચાર સામે આવ્યા છે.
26 માર્ચ 2024ના રોજ શાંગલામાં આત્મઘાતી હુમલામાં દાસુ ડેમ પર કામ કરતા પાંચ ચીની એન્જિનિયરો સહિત ઓછામાં ઓછા છ લોકોએ જીવ ગુમાવ્યો હતો. બિશામ વિસ્તારમાં કારાકોરમ હાઈવે પર વિસ્ફોટકોથી ભરેલા વાહને તેમને લઈ જતી બસને ટક્કર મારતાં પાંચ ચીની કામદારોના મોત થયા હતા.
સ્થાનિક અહેવાલો મુજબ, લગભગ 991 ચીની એન્જિનિયરો બંને પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા, જ્યારે સ્થાનિક કામદારોને આગળની સૂચનાઓ સુધી ઘરે રહેવાનું કહેવામાં આવ્યું છે, પ્રોજેક્ટ પર કામ કરતા એક અધિકારીએ આની પુષ્ટિ કરી છે.
ઉલ્લેખનીય છે કે, અપર કોહિસ્તાન જિલ્લાના 4,320 મેગાવોટના દાસુ ડેમ પર લગભગ 741 ચીની અને 6,000 સ્થાનિક લોકો કામ કરી રહ્યા છે. જો કે, ખૈબર પખ્તુનખ્વામાં મોહમંદ ડેમ પર કામ ચાલુ છે અને ચીનના એન્જિનિયરો હજુ પણ સ્થળ પર કામ કરી રહ્યા છે.
દરમિયાન, ચાઇના પાવર કન્સ્ટ્રક્શન કોર્પોરેશનના મેનેજર (વહીવટ) દ્વારા 1530 મેગાવોટના તરબેલા વિસ્તરણ પ્રોજેક્ટ (T5) પર કામ સ્થગિત કરવામાં આવ્યું હતું.
મેનેજરે નોટિફિકેશનમાં એ પણ ખુલાસો કર્યો હતો કે પ્રોજેકટના "તમામ સાઇટ કર્મચારીઓ અને ઓફિસ સ્ટાફ મેમ્બર"ને સુરક્ષાના કારણોસર આગળના આદેશ સુધી ખાલી કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે સંબંધિત વિભાગના વડાઓ દ્વારા બોલાવવામાં આવેલા કર્મચારીઓ જ કામ પર આવશે.
ઉલ્લેખનીય છે કે ચીની કામદારો પર થયેલો હુમલો આ પ્રકારનો બીજો હુમલો હતો. ડોનના અહેવાલ મુજબ, આ પ્રકારનો પહેલો હુમલો 14 જુલાઈ, 2021 ના રોજ કોહિસ્તાનમાં દાસુ ડેમ સાઇટથી થોડા કિલોમીટર દૂર કરવામાં આવ્યો હતો, જેમાં નવ ચીની એન્જિનિયર અને ચાર પાકિસ્તાની કર્મચારીઓ માર્યા ગયા હતા, જ્યારે 23 થી વધુ ઘાયલ થયા હતા.

