Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Canada tightens immigration policy! Indian students affected, Canadian work permits also affected

કેનેડાએ ઈમિગ્રેશન નીતિ કરી કડક! ભારતીય વિદ્યાર્થીઓ પર થઈ અસર, કેનેડાની વર્ક પરમિટ પણ પ્રભાવિત

Timeછેલ્લું અપડેટ : 04 Nov 2025
લાઇવ ટીવીGoogle News
કેનેડાએ ઈમિગ્રેશન નીતિ કરી કડક! ભારતીય વિદ્યાર્થીઓ પર થઈ અસર, કેનેડાની વર્ક પરમિટ પણ પ્રભાવિત
સોર્સ : GSTV

કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે શિક્ષણ પરમિટ મેળવવાની પ્રક્રિયા હવે પહેલાં કરતાં વધુ જટિલ બની ગઈ છે. તાજા ઇમિગ્રેશન આંકડાઓ દર્શાવે છે કે, ઓગસ્ટ 2025 મહિનામાં ભારતીય વિદ્યાર્થીઓની 74% સ્ટડી વિઝા અરજીઓને નકારવામાં આવી હતી. આ આંકડો બે વર્ષ પહેલાંના દર કરતાં બમણાથી પણ વધારે છે. કેનેડામાં ઘૂસ મારવા માટે કરવામાં આવતી છેતરપિંડીને રોકવા માટે સખત બનાવવામાં આવેલી ઇમિગ્રેશન નીતિને કારણે આમ થયું છે.

App Store

કેનેડાએ ઈમિગ્રેશન નીતિ કડક કરી 

એક સમય હતો જ્યારે શિક્ષણ, રોજગાર અને સ્થાયી નિવાસ કરવા ઈચ્છુક વિદેશીઓ માટે કેનેડા સૌથી પસંદગીનું સ્થળ હતું. પરંતુ ઇમિગ્રન્ટ્સના ઓચિંતા વધારા અને સિસ્ટમ પર આવેલા દબાણને કારણે કેનેડાની સરકારે પોતાની નીતિમાં બદલાવ કરવાનું શરૂ કર્યું છે. નીતિઓનો અયોગ્ય લાભ લેવાની ઘટનાઓમાં વધારો થતાં ઇમિગ્રેશન વિભાગે કડક પગલાં લેવાની ફરજ પડી છે. આ બધાં પરિબળોને કારણે હવે ઇમિગ્રન્ટ્સનું કેનેડા પ્રત્યેનું આકર્ષણ ઘટી ગયું છે.

ભારતીયોની અરજીઓમાં નોંધપાત્ર ઘટાડો થયો

કેનેડા દ્વારા ફક્ત અસ્વીકૃતિનો દર જ નથી વધ્યો, ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા મોકલવામાં આવતી અરજીઓની સંખ્યામાં પણ તીવ્ર ઘટાડો નોંધાયો છે. ઓગસ્ટ 2023માં 20,900 જેટલી અરજીઓ હતી, તે સંખ્યા ઓગસ્ટ 2025માં ઘટીને માત્ર 4,515 રહી ગઈ હતી. આ ઘટાડો સૂચવે છે કે ભારતીય વિદ્યાર્થીઓમાં કેનેડા પ્રત્યેનું આકર્ષણ અને ત્યાં અભ્યાસ કરવાની સંભાવના બંને ઘટી રહી છે. અલબત્ત, હજુ પણ કેનેડાના વિઝા માટેના અરજદારોના લિસ્ટમાં ભારતીયો જ પહેલા નંબરે છે. એ જ રીતે અરજીની અસ્વીકૃતિ પણ સૌથી વધુ ભારતીયો જ પામે છે. 

નવા વિદ્યાર્થીઓની સંખ્યામાં ભારે ઘટાડો

ઇમિગ્રેશન રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC)ના અહેવાલ અનુસાર, ઓગસ્ટ 2025માં કેનેડા પહોંચનારા નવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 2024ની સરખામણીમાં 43.1% નો ઘટાડો થયો છે. આ ફેરફાર માત્ર એક મહિનાનો નથી, પણ એક વ્યાપક ટ્રેન્ડ સૂચવે છે. ઓગસ્ટ 2024માં 79,795 નવા વિદ્યાર્થીઓ દાખલ થયા હતા, જે ઓગસ્ટ 2025માં ઘટીને 45,380 થઈ ગયા હતા. જાન્યુઆરીથી ઓગસ્ટ 2025 દરમિયાન 2024ની સરખામણીમાં લગભગ 132,505 ઓછા વિદ્યાર્થીઓએ કેનેડા પ્રવેશ કર્યો હતો. IRCCએ 2025 માટે 305,900 નવા વિદ્યાર્થીઓનો લક્ષ્યાંક રાખ્યો હતો, પરંતુ જાન્યુઆરી અને ઓગસ્ટ વચ્ચે આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 29.24%  હતી.

વર્ક પરમિટમાં પણ ઘટાડો થયો

નવા વર્ક પરમિટ ધારકોની સંખ્યા, એટલે કે જેઓ કામ કરવા માટે કેનેડા આવે છે, તેમની સંખ્યા પણ પ્રભાવિત થઈ છે. ઓગસ્ટ 2025માં નવા વર્ક પરમિટ ધારકોની સંખ્યા ઘટીને 16,890 થઈ ગઈ હતી. જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીમાં કુલ 243,945 વિદ્યાર્થીઓ અને કામચલાઉ કામદારો કેનેડા પહોંચ્યા હતા, જે ગયા વર્ષની સરખામણીમાં 278,900 જેટલા ઓછા છે.

આવી પરિસ્થિતિ પાછળના મુખ્ય કારણો કયા છે?

• નીતિગત પરિવર્તન: કેનેડા સરકારે કામચલાઉ રહેવાસીઓની સંખ્યા કુલ વસ્તીના 5%થી ઓછી રાખવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.

• સખત ચકાસણી પ્રક્રિયા: અરજી પ્રક્રિયા ધીમી પડી છે અને નવા નિયમો હેઠળ દસ્તાવેજોની ચકાસણી વધુ સખત બનાવવામાં આવી છે.

• છેતરપિંડી વિરુદ્ધ કાર્યવાહી: છેલ્લા એક વર્ષમાં કેનેડિયન અધિકારીઓએ શિક્ષણ ક્ષેત્રે થતી છેતરપિંડી સામે કાર્યવાહી કરવા પર ભાર મૂક્યો છે. 2023માં 1,550 બનાવટી અરજીઓ શોધી કાઢવામાં આવી હતી, જેમાંની મોટાભાગની ભારતીયો દ્વારા કરવામાં આવી હતી. 2024માં શરૂ કરવામાં આવેલી નવી સ્ક્રીનીંગ પ્રણાલીએ વિશ્વભરમાંથી 14,000થી વધુ શંકાસ્પદ વિઝા અરજીઓ ઓળખી કાઢી હતી.

• વિદ્યાર્થીઓની પસંદગીમાં ફેરફાર: નિષ્ણાતોનું માનવું છે કે કેનેડાની નીતિઓ કડક થતાં વિદ્યાર્થીઓ હવે અન્ય દેશોમાં જવા માટે ધ્યાન આપી રહ્યા છે, જેના કારણે પણ કેનેડાની વિઝા અરજીઓમાં ઘટાડો થયો છે.