'સમુદ્રની નીચે જાસૂસી જાળ', બ્રિટેન નોર્વેએ રશિયન સબમરીનને ટ્રેક કરી ભગાડીઃ યુકેના સંરક્ષણ મંત્રીનો

ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં રશિયાની વધતી જતી સૈન્ય ગતિવિધિઓએ પશ્ચિમી દેશોની ઊંઘ ઉડાવી દીધી છે. યુકેના સંરક્ષણ મંત્રી જોન હીલીએ એક ચોંકાવનારો દાવો કરતા જણાવ્યું છે કે, 'બ્રિટન અને નોર્વેએ એક વિશેષ સૈન્ય ઓપરેશન ચલાવીને બ્રિટિશ જળસીમા નજીક ઘૂસી આવેલી રશિયન સબમરીનને સફળતાપૂર્વક હાંકી કાઢી છે. આ સબમરીન યુરોપના ઈન્ટરનેટ અને ઉર્જા માળખા માટે ખતરો બની શકે તેમ હતી.'
કેબલ અને પાઈપલાઈન પર જોખમ
અહેવાલો અનુસાર, ઉત્તર એટલાન્ટિકનો આ દરિયાઈ વિસ્તાર યુરોપ માટે જીવનરેખા સમાન છે. સમુદ્રના પેટાળમાં બિછાવેલા વિશાળ કેબલ્સ દ્વારા સમગ્ર યુરોપમાં ઈન્ટરનેટ અને ડેટા ટ્રાન્સફર થાય છે, જ્યારે પાઈપલાઈન્સ દ્વારા ગેસ અને ઓઈલનો પુરવઠો પહોંચાડવામાં આવે છે. બ્રિટનને આશંકા હતી કે રશિયન સબમરીન આ સંવેદનશીલ કેબલ્સને નુકસાન પહોંચાડીને આખા યુરોપમાં બ્લેકઆઉટ જેવી સ્થિતિ સર્જી શકે છે.
હાઈ-ટેક સબમરીન દ્વારા ટ્રેકિંગ
બ્રિટિશ સંરક્ષણ મંત્રીના જોન હીલી જણાવ્યા કે, 'રશિયાની હિલચાલ પર નજર રાખવા માટે બ્રિટન અને નોર્વેએ પોતાની ખાસ પ્રકારની સબમરીન તહેનાત કરી હતી. રશિયન સબમરીન બ્રિટિશ જળસીમાની એકદમ નજીક પહોંચી ગઈ હતી, જે સીધી ચેતવણી સમાન હતી. સૈન્ય દબાણ વધતા રશિયન સબમરીન આખરે બ્રિટિશ વિસ્તાર છોડીને ઉત્તર તરફ પીછેહઠ કરવા મજબૂર થઈ હતી.'
ઈન્ટરનેટ અને અર્થતંત્રને હચમચાવવાની રમત?
તાજેતરના વર્ષોમાં યુરોપમાં દરિયાઈ કેબલ તૂટવાની રહસ્યમય ઘટનાઓ વધી છે, જેની પાછળ રશિયાનો હાથ હોવાની શંકા સેવવામાં આવે છે. જોન હીલીએ ખાતરી આપી છે કે આ વખતના ઓપરેશન દરમિયાન કોઈ કેબલ કે પાઈપલાઈનને નુકસાન થયું નથી, પરંતુ ખતરો હજુ ટળ્યો નથી.
પશ્ચિમી દેશોનો સ્પષ્ટ સંદેશ
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ બાદ રશિયન નૌકાદળ ઉત્તર એટલાન્ટિકમાં સતત પોતાની હાજરી વધારી રહ્યું છે. બ્રિટનનું આ આક્રમક પગલું રશિયા માટે સ્પષ્ટ સંકેત છે કે પશ્ચિમી દેશો પોતાના દરિયાઈ વિસ્તારમાં કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ કે કાયદાનું ઉલ્લંઘન સહન કરશે નહીં. હાલમાં બ્રિટિશ સેના સમુદ્રના પેટાળમાં સતત નિરીક્ષણ કરી રહી છે.

