તારિક રહેમાનની મુલાકાત પહેલાં શેખ હસીનાનો મુદ્દો ગરમાયો, બાંગ્લાદેશે ભારત પાસે કરી મોટી માગ

બાંગ્લાદેશે પોતાના વડાપ્રધાન તારિક રહેમાનના પ્રસ્તાવિત ભારત પ્રવાસને પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની માગ સાથે જોડી દીધો છે. ઢાકાએ સ્પષ્ટ કર્યું છે કે, વડાપ્રધાનની ભારત યાત્રા પૂર્વે ‘અનુકૂળ માહોલ’ બનાવવો જરૂરી છે. આ માટે ભારતે શેખ હસીના સહિત અન્ય વોન્ટેડ આરોપીઓને બાંગ્લાદેશને સોંપવાની માગણી પર વહેલી તકે પગલાં ભરવા જોઈએ.
બાંગ્લાદેશને શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સથી વાંધો પડ્યો
બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના પ્રવક્તા શાહિદુલ કરીમ (Shahidul Karim)એ ઢાકા ખાતે એક પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું કે, બંને દેશોના અધિકારીઓ છેલ્લા કેટલાક અઠવાડિયાથી વડાપ્રધાન તારિક રહેમાન (PM Tarique Rahman)ની સંભવિત દ્વિપક્ષીય ભારત મુલાકાત અંગે સતત સંપર્કમાં છે. જોકે, તેમણે દાવો કર્યો કે, 5 ઓગસ્ટે નવી દિલ્હી ખાતે પૂર્વ વડાપ્રધાન શેખ હસીના (Sheikh Hasina)ની જાહેરમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ બાદ આ સમગ્ર પ્રક્રિયા પ્રભાવિત થઈ છે. બાંગ્લાદેશના ઈન્ટરનેશનલ ક્રાઈમ્સ ટ્રિબ્યુનલે તેમને માનવતા વિરુદ્ધના અપરાધ માટે દોષિત ઠેરવ્યા હોવાથી આ મુદ્દે પોતાનું વલણ પહેલેથી જ સ્પષ્ટ છે.
શેખ હસીનાના પ્રત્યાર્પણ પર નિર્ણય લેવા બાંગ્લાદેશની અપીલ
બાંગ્લાદેશનું માનવું છે કે, યાત્રા પૂર્વે યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ થાય તે જરૂરી છે. આ સંદર્ભે ઢાકાએ ભારતીય અધિકારીઓને પ્રત્યાર્પણની અરજી પર ઝડપી નિર્ણય લેવા અપીલ કરી છે. આ ઉપરાંત દ્વિપક્ષીય પ્રત્યાર્પણ સંધિ હેઠળ શહીદ શરીફ ઉસ્માન હાદી (Sharif Osman Hadi)ની હત્યાના આરોપીઓને પણ બાંગ્લાદેશને સોંપવા માગણી કરવામાં આવી છે. બાંગ્લાદેશે સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ બંને માગણીઓ પર ભારતના સત્તાવાર જવાબની રાહ જોઈ રહ્યા છે.
‘બાંગ્લાદેશ ફર્સ્ટ’ નીતિ પર ભાર
વિદેશ મંત્રાલયે પડોશી દેશો સાથેના સંબંધોમાં પોતાની ‘બાંગ્લાદેશ ફર્સ્ટ’ નીતિ દોહરાવી છે. તેમણે જણાવ્યું કે, બાંગ્લાદેશ સાર્વભૌમ સમાનતા, રાષ્ટ્રીય ગરિમા, પરસ્પર હિતો અને એકબીજાની આંતરિક બાબતોમાં દખલગીરી ન કરવાના સિદ્ધાંતો પર મૈત્રીપૂર્ણ સંબંધો આગળ વધારવા કટિબદ્ધ છે. નવી દિલ્હી અને ઢાકા વચ્ચે રાજદ્વારી સ્તરે વાતચીત ચાલુ છે, પરંતુ બાંગ્લાદેશ હાલ પોતાની પ્રત્યાર્પણ અરજીઓ પર ભારતના પ્રતિસાદની રાહ જોઈ રહ્યું છે.

