અમેરિકા ફરી આવ્યું શટડાઉનની અણીએ! જેનાથી ઘણી સેવાઓ થઈ શકે છે પ્રભાવિત
અમેરિકા ફરી એકવાર સરકારી શટડાઉનની અણીએ આવી ગયું છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પક્ષન

અમેરિકા ફરી એકવાર સરકારી શટડાઉનની અણીએ આવી ગયું છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પક્ષને સેનેટમાં કામચલાઉ ફન્ડિંગ બિલ પસાર કરાવવા માટે ઓછામાં ઓછા 60 મતોની જરૂર હતી, પરંતુ ફક્ત 55 મત જ મળતાં મુશ્કેલી વધી ગઇ. એટલે કે આ પ્રસ્તાવ અટવાઈ ગયો છે.
શટડાઉન કોને કહેવાય?
તેનો સીધો અર્થ એ છે કે, સરકાર પાસે હવે જરૂરી ફન્ડિંગનું વિસ્તરણ નથી અને ઘણા સરકારી કામકાજ ઠપ થઇ શકે છે. અમેરિકાના કાયદા હેઠળ જ્યાં સુધી બજેટ કે કામચલાઉ ફન્ડિંગ બિલ પાસ નહીં થાય ત્યાં સુધી બિન જરૂરી સરકારી વિભાગ અને સેવાઓ બંધ કરવામાં આવી શકે છે. આ સ્થિતિને જ શટડાઉન કહેવાય છે.
પાંચમી વખત શટડાઉનના સંકેત
છેલ્લા બે દાયકામાં આ પાંચમી વખત છે જ્યારે અમેરિકામાં મોટા શટડાઉનની સ્થિતિ સર્જાઈ છે. અગાઉ રિપબ્લિકને સરકાર માટે 21 નવેમ્બર સુધીનું ટૂંકા ગાળા માટેનું ફન્ડિંગ બિલ પાસ કરી આપ્યું હતું. જોકે ડેમોક્રેટ્સનું કહેવું છે કે તે પૂરતું નથી. તેઓ ઇચ્છે છે કે ડોનાલ્ડ ટ્રમ્પના ઉનાળાના મેગા-બિલમાં મેડિકેડ કાપને ઉલટાવી દેવામાં આવે અને એફોર્ડેબલ કેર એક્ટમાંથી મુખ્ય ટેક્સ ક્રેડિટ્સનો વિસ્તાર કરવામાં આવે. જોકે રિપબ્લિકન્સે આ માગ ફગાવી દીધી છે. કોઈપણ પક્ષ આ મામલે પીછેહઠ માટે તૈયાર ન હોવાથી સ્થિતિ સંકટજનક બની ગઇ છે.
7 વર્ષમાં પહેલી વખત આવી સ્થિતિ
7 વર્ષમાં આ પહેલી વાર બનશે જ્યારે ફન્ડિંગના અભાવે અમેરિકામાં ઘણી સેવાઓ પ્રભાવિત થશે. 2018 માં ટ્રમ્પના જૂના કાર્યકાળ દરમિયાન શટડાઉન 34 દિવસ ચાલ્યું હતું. આ વખતે આ ખતરાને વધુ ગંભીર માનવામાં આવે છે, કારણ કે ટ્રમ્પ લાખો કર્મચારીઓની છટણી કરવા અને ઘણા મુખ્ય પ્રોજેક્ટ્સને રોકવા માટે આનો ઉપયોગ કરી શકે છે. શટડાઉન પહેલા જ તેમણે આ અંગે સંકેત આપી દીધા છે.






