મસ્કતથી કન્નૂર આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઈટ રનવે સાથે અથડાઈ, મોટી જાનહાનિ ટળી

બેંગલુરુ બાદ હવે ઓમાનમાં એર ઈન્ડિયાની ફ્લાઈટની મોટી દુર્ઘટના ટળી છે. બેંગલુરુમાં પ્લેનની ટેલ સ્ટ્રાઈક (પાછળનો ભાગ) રન-વે સાથે અથડાયો હતો, ત્યારે હવે ઓમાનના મસ્કટ એરપોર્ટ પર એરલાઈન્સનું બોઈંગ રન-વે પરથી ટેકઓફ કરતી વખતે લાઈટ સાથે અથડાતા ભારે અફરાતરફરી મચી છે.
ફ્લાઈટ ખોટી દિશામાં જતા સર્જાઈ દુર્ઘટના
મળતી માહિતી મુજબ, ઓમાનની રાજધાની મસ્કટ એરપોર્ટ પર એરલાઈન્સનું બોઈંગ રન-વે પર ટેક ઓફ વખતે ખોટી દિશામાં જતું રહ્યું હતું, જેના કારણે પ્લેન રન-વે પર લાઈટ સાથે અથડાતા પ્લેનના નોજ ગિયરને નુકસાન થવાની સાથે કૉકપિટમાં જોરદાર અવાજ સંભળાયો છે. આ વિમાન 15 મેએ મસ્કટથી કન્નૂર આવી રહ્યું હતું. રાહતની વાત એ છે કે, ઘટનામાં કોઈપણ મોટી જાનહાની થઈ નથી.
રન-વે પર અનેક લાઈટો તૂટી, નોજ ગિયરને પણ નુકસાન
મસ્કટથી કન્નૂર જઈ રહેલી આ ફ્લાઈટે રન-વે પર ટેકઓફની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી, ત્યારે અચાનક ફ્લાઈટ થોડી આગળ વધતા જ ખોટી દિશા તરફ જતા લાઈટ સાથે અથડાઈ હતી. આ ઘટનામાં રન-વે પર અનેક લાઈટો તૂટી ગઈ છે. આ ઉપરાંત પ્લેનના નોજ ગિયરને નુકસાન થયું છે. જોકે પાયલોટે તાત્કાલીક સમસૂચકતા દાખવતા તાત્કાલીક ટેકઓફ અટકાવી દઈ મોટી દુર્ઘટના ટાળી દીધી છે.
વિમાનનું હાઈડ્રોલિક લીકેજ અને ટાયર પંચર
એર ઈન્ડિયાની આ ફ્લાઈટે રન-વે નંબર 26Lપર ટેક્સીવે E7 પરથી એન્ટ્રી કરી હતી. ઘટનામાં વિમાનનું હાઈડ્રોલિક લીકેજ અને ટાયર પંચર થયું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, બહારની કોઈ વસ્તુ એન્જીનમાં આવી જતા બંને એન્જિનને નુકસાન થયું છે. પ્રવાસીઓ અને ક્રૂ સભ્યોને વિમાનમાંથી ઉતારી પરત ટર્મિનલ પર લઈ જવાયા છે. એરલાઈન્સે તુરંત કાર્યવાહી કરીને તમામ મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરી આપી હતી. તમામ મુસાફરોને બીજા દિવસે અન્ય ફ્લાઈટમાં કન્નૂર મોકલવામાં આવ્યા હતા, જોકે તેમાં 13 કલાકનો વિલંબ થઈ ગયો હતો.
અગાઉ બેંગલુરુ એરપોર્ટ પર એર ઈન્ડિયા ફ્લાઈટ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી
અગાઉ 21 મેએ બેંગલુરુ એરપોર્ટ પર એર ઈન્ડિયા ફ્લાઈટની મોટી દુર્ઘટના ટળી હતી. એરલાઈન્સે કહ્યું હતું કે, દિલ્હીથી બેંગલુરુ જઈ રહેલી એર ઈન્ડિયાની એક ફ્લાઈટ બેંગલુરુ એરપોર્ટ પર લેન્ડિંગ થઈ રહી હતી, ત્યારે પ્લેનની ટેલ સ્ટ્રાઈક (પાછળનો ભાગ) રન-વે સાથે અથડાઈ હતી. એરલાઈન્સે કહ્યું કે, 21 મેના રોજ દિલ્હીથી બેંગલુરુ પહોંચેલી AI2651 નંબરની ફ્લાઈટની ટેલ સ્ટ્રાઈક લેન્ડિંગ વખતે રન-વે સાથે અથડાઈ હતી, જોકે પાયલટની સમસૂચકતાના કારણે સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું છે અને 181 પ્રવાસીઓ અને ક્રૂ સભ્યો સુરક્ષિત છે. ઘટના બાદ વિમાનની સંપૂર્ણ તપાસ કરવા માટે ગ્રાઉન્ડેડ કરી દેવાયું છે. એર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે, નિયમો મુજબ ઘટનાની તપાસ કરવામાં આવશે.

