પાકિસ્તાનની સરકારી એરલાઈન્સની એર હોસ્ટેસની ધરપકડ, ટોરન્ટો એરપોર્ટ પરથી મળ્યા અમાન્ય પાસપોર્ટ

પાકિસ્તાનની સરકારી એરલાઈન્સ PIA (પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ)ની એક એર હોસ્ટેસની ટોરન્ટો એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી ઈન્ટરનેશનલ ટ્રાવેલિંગ માટે માન્ય ના હોય તેવા પાસપોર્ટ મળ્યા છે.
પાકિસ્તાની અખબારના અહેવાલ પ્રમાણે હીના સાની નામની PIAની એર હોસ્ટેલ સાથે ફ્લાઈટમાં બીજા સાત ક્રુ મેમ્બર પણ હતા. કેનેડાના અધિકારીઓએ આ તમામ ક્રુ મેમ્બરને નો ફ્લાય કર્મચારીઓના લિસ્ટમાં મુકેલા હતા. આમ છતાં આ તમામ સભ્યોએ ડીજીએમ ફ્લાઈટ સર્વિસિસ પાસેથી વિશેષ પરવાનગી લીધી હતી. જે નિયત ધારાધોરણોનું ઉલ્લંઘન હતુ.
એર હોસ્ટેસની ધરપકડ બાદ PIAના પ્રવકતાએ કહ્યું છે કે, એરલાઈન્સને આ બાબતની જાણકારી મળી છે અને અમે કેનેડાના અધિકારીઓ સાથે સહયોગ કરી રહ્યા છે. એરલાઈન્સ તમામ કાયદાકીય પ્રક્રિયાઓનું પાલન કરવા માટે કટિબધ્ધ છે.
કેનેડામાં પકડાયેલી એર હોસ્ટેલ હીના સાની પહેલા પણ ગેરકાયદે વસ્તુઓની સ્મગલિંગમાં સામેલ રહી છે. આ માટે તેને અગાઉ પણ કેનેડામાં અટકાયતમાં લેવામાં આવી હતી.પોતાની એર હોસ્ટેસોના કારનામાના કારણે PIAનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે ખરાબ થઈ ચુકયું છે.
ગયા મહિને PIAની એક એર હોસ્ટસ મરિયમ રઝા ફરજના ભાગરુપે ફ્લાઈટમાં ટોરન્ટો પહોંચી હતી અને બીજા દિવસે તેને પાછું ફરવાનું હતું પણ તે હોટલમાંથી ગાયબ થઈ ગઈ હતી. 2022માં પણ આ જ રીતે એક એર હોસ્ટેસ પણ કેનેડા પહોંચીને પાકિસ્તાન પાછી ફરી નહોતી. ફ્રાંસમાં અન્ય એક એર હોસ્ટેસ દુકાનમાંથી ચોરી કરતા પકડાઈ હતી.

