'અફઘાનિસ્તાને 4 પાકિસ્તાની મિલિટ્રી બેઝ પર કર્યો હુમલો', કંધારનો બદલો ઈસ્લામાબાદથી લીધો

પાકિસ્તાનના 55 સૈનિકોને માર્યા બાદ અફઘાનિસ્તાને હવે પાકિસ્તાની શહેરોને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે. અફઘાન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે અફઘાન વાયુસેનાએ સવારે 11 વાગ્યે ઇસ્લામાબાદમાં હવાઈ હુમલો કર્યો હતો. રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલય સાથે સંકળાયેલ વાયુસેનાએ ધોળા દિવસે આ હુમલો કર્યો હતો.
રિપોર્ટ મુજબ અફઘાની વાયુસેનાએ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ફૈઝાબાદ શહેર નજીક એક લશ્કરી છાવણી પર હુમલો કર્યો હતો. તેણે ખૈબર પખ્તુનખ્વાના નૌશેરામાં લશ્કરી છાવણી અને જમરુદમાં એક લશ્કરી સ્થળને પણ નિશાન બનાવ્યું હતું. અફઘાન વાયુસેનાએ એબોટાબાદમાં પણ હુમલા કર્યા હતા.
અફઘાનિસ્તાને ઈસ્લામાબાદમાં સવારે 11 વાગ્યે ફૈઝાબાદ, નૌશેરા કેન્ટ, જમરુદ લશ્કરી કોલોની અને એબોટાબાદ નજીક એક લશ્કરી છાવણીને નિશાન બનાવીને હુમલાઓ કરવામાં આવ્યા હતા.
મંત્રાલય અનુસાર, આ કાર્યવાહીમાં ચોક્કસ લશ્કરી છાવણીઓ, કેન્દ્રો અને સુવિધાઓને સફળતાપૂર્વક નિશાન બનાવવામાં આવી હતી. ગઈકાલે રાત્રે કાબુલ, કંદહાર અને પક્તિયામાં પાકિસ્તાની સૈન્ય દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાઓના જવાબમાં આ હુમલાઓ કરવામાં આવ્યા હતા. હુમલાઓમાં ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે, પાકિસ્તાન સરકાર તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

