VIDEO: થાઇલેન્ડમાં 9મા ધોરણના વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ, શિક્ષક સહિત 6 લોકોના મોત
થાઇલેન્ડની રાજધાની બેંગકોક નજીક આવેલી એક શાળામાં અંધાધૂંધ ગોળીબારની ચોંકાવનારી ઘટના સામે આવી છે. નોન્થાબુરીના બાંગ ક્રુઇ જિલ્લામાં આવેલી ડેબસિરિન નોન્થાબુરી સ્કૂલમાં જ વિદ્યાર્થીએ અંધાધૂંધ ગોળીબાર કરતાં એક શિક્ષક સહિત 6 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 15 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના બાદ સમગ્ર દેશમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અહેવાલો અનુસાર,, હુમલાખોર વિદ્યાર્થી તે જ શાળામાં ધોરણ નવમા અભ્યાસ કરતો હતો, જેની ઉંમર આશરે 14 વર્ષની હોવાનું કહેવાય છે. શાળા ચાલુ હતી, આ દરમિયાન કેમ્પસમાં અચાનક ફાયરિંગનો અવાજ ગુંજી ઊઠ્યો હતો. ગોળીબાર થતાં જ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો અને એમ્બ્યુલન્સ સ્થળ પર દોડી આવ્યા હતા. હુમલાખોર વિદ્યાર્થીનું પણ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જો કે, તેણે પોતે ગોળી મારીને આપઘાત કર્યો છે કે, પછી પોલીસની વળતી કાર્યવાહીમાં તે માર્યો ગયો છે તે અંગે હજુ સુધી સ્થિતિ સ્પષ્ટ થઈ નથી. ઈજાગ્રસ્ત થયેલા 15 લોકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

