VIDEO: પાકિસ્તાનની સેના પર હુમલામાં 23 જવાનોના મોત
પાકિસ્તાનના અશાંત વિસ્તાર બલૂચિસ્તાનમાંથી એક ભયાનક આતંકી હુમલાના સમાચાર સામે આવ્યા છે. બલૂચિસ્તાનના લાસબેલા જિલ્લામાં નેશનલ હાઇવે પરથી પસાર થઈ રહેલા પાકિસ્તાની સેનાના કાફલાને નિશાન બનાવીને મોટો વિસ્ફોટ કરવામાં આવ્યો છે. આ હુમલામાં 23 થી વધુ જવાનો માર્યા ગયા હોવાની આશંકા છે, જ્યારે અનેક જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના લાસબેલાના કશારી વિસ્તારમાં બની હતી. ત્યાંથી ફ્રન્ટિયર ફોર્સના આશરે 15 વાહનોનો કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે આતંકીઓએ તેને લક્ષ્ય બનાવીને તીવ્ર વિસ્ફોટ કર્યો હતો. ધમાકો એટલો ભયાનક હતો કે સુરક્ષા દળનું એક વાહણ સળગીને ખાખ થઈ ગયું હતું. ગોળીબાર અને વિસ્ફોટ બાદ તુરંત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા તમામ જવાનોને તાત્કાલિક સારવાર માટે નજીકના બેલા કેમ્પ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ હુમલા પાછળ બલૂચ લિબરેશન આર્મીનો હાથ હોવાની પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી આ સંગઠન બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સુરક્ષા દળો, સરકારી સંપત્તિઓ અને મુખ્ય હાઇવે પર સતત હુમલા કરી રહ્યું છે. BLA દ્વારા અગાઉ પણ સેનાના કાફલાને નિશાન બનાવવાની ઘટનાઓ બની છે.

