'Sorry ભૂલથી તમારા Divorce થયા ગયા...', 21 વર્ષ જૂના લગ્નનો 21 મિનિટમાં અંતઃ જજે નિર્ણય બદલવાની ના પાડી

દેશ અને દુનિયામાં વિવાહિત કપલ માટે છૂટાછેડાની પ્રક્રિયા અલગ છે. ઘણા એવા દેશ છે જ્યાં સરળતાથી છૂટાછેડા થઈ જાય છે. તો ભારત સહિત ઘણા એવા દેશો છે જ્યાં છૂટાછેડા લેવા માટે ઘણાં વર્ષો લાગતા હોય છે. હાલમાં જ લંડનથી એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને આશ્ચર્યચકિત થઈ જશો. હકિકતમાં અહીંની કોર્ટે ભૂલથી દંપતીને છૂટાછેડા આપી દીધા. સાંભળવાનું જ વિચિત્ર લાગે કે છૂટાછેડા ભૂલથી કેવી રીતે થઈ શકે?
ન્યાયાધીશે નિર્ણય પાછો ખેંચવાનો ઇનકાર કર્યો
જણાવી દઈએ કે આ ઘટના આયેશા વર્દાગની લંડન સ્થિત લો ફર્મ વરદાગ્સના વકિલની ભૂલને લીધે થયું. પરિણામ એ આવ્યું કે, જજે નિર્ણય પાછો લેવાની ના પાડી દીધી.
મિસ્ટર એન્ડ મિસિસ વિલિયમ્સ નામના આ કપલના લગ્નને 2023માં 21 વર્ષ થયા હતા. પરંતુ કોર્ટે તેમને છૂટાછેડા આપી દીધા. જો કે આ દંપતીને છૂટાછેડા તો લેવાના હતા, પરંતુ હાલમાં તેઓ અલગ થવા માટે નાણાકીય કરાર ગોઠવવાની પ્રક્રિયામાં હતા. આ દરમિયાન કોઈ અન્ય કપલના છૂટાછેડાના ફાઈનલ ઓર્ડર દરમિયાન વર્દાગના ક્લાર્કે કમ્પ્યુટર પરના ડ્રોપ ડાઉન મેનૂમાંથી શ્રી અને શ્રીમતી વિલિયમ્સના નામ પસંદ કરી દીધા.
21 વર્ષ જૂના લગ્ન 21 મિનિટમાં તૂટી ગયા
આવી સ્થિતિમાં બંનેના 21 મિનિટમાં છૂટાછેડા થઈ ગયા. જ્યારે ન્યાયાધીશને આ ભૂલ વિશે જાણ કરવામાં આવી ત્યારે તેમણે નિર્ણય બદલવાની ના પાડી દીધી. અને કહ્યું કે કોર્ટના નિર્ણયમાં જનતાનો વિશ્વાસ વધુ મહત્વપૂર્ણ છે.
કોર્ટના ફેમિલી ડિવિઝનના અધ્યક્ષ સર એન્ડ્રુ મેકફાર્લેને જણાવ્યું હતું કે છૂટાછેડાના અંતિમ આદેશ દ્વારા પૂરી પાડવામાં આવેલી નિશ્ચિતતા અને અંતિમતાને આદર આપવા અને તેના દ્વારા સ્થાપિત યથાસ્થિતિ જાળવવામાં મજબૂત જાહેર નીતિનું હિત રહેલું છે.
જજે કહ્યું- આવી ભૂલ કેવી રીતે થઈ શકે?
બીજી તરફ, વરદાગના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે ફર્મના એક વકીલે એક કપલ માટે અંતિમ છૂટાછેડાની અરજી કરતી વખતે ઑનલાઇન પોર્ટલ પર ભૂલ કરી હતી અને એવા કપલના છૂટાછેડા થઈ ગયા જે છૂટાછેડા માટે તૈયાર નહોતા.
વરદાગને બે દિવસ પછી પોતાની ભૂલની ખબર પડી. પરંતુ જ્યારે તેણે હાઈકોર્ટને છૂટાછેડાના અંતિમ આદેશને રદ કરવા કહ્યું ત્યારે તેને નકારી કાઢવામાં આવ્યો. પેઢીએ ભારપૂર્વક કહ્યું કે તેના કર્મચારીએ ભૂલથી ખોટા દંપતીના નામ પર ક્લિક કર્યું હતું, પરંતુ ન્યાયાધીશે કહ્યું કે જ્યારે અંતિમ ઓર્ડર આપવા માટે પોર્ટલ પર બહુવિધ સ્ક્રીનમાંથી પસાર થવું પડે ત્યારે આવી ભૂલ કેવી રીતે થઈ શકે.
આયેશા વરદાગે કોર્ટના નિર્ણયને ખરાબ ગણાવ્યો
આયેશા વરદાગે કોર્ટના નિર્ણયને ખરાબ ગણાવ્યો હતો. વરદાગે કહ્યું, 'રાજ્ય એ કોમ્પ્યુટર સંબંધિત ભૂલોના આધારે લોકોને છૂટાછેડા ન આપવા જોઈએ. જ્યારે કોઈ ભૂલ કોર્ટના ધ્યાન પર લાવવામાં આવે ત્યારે કોર્ટે સમજવું જોઈતું હતું. આનો અર્થ એ થયો કે, અત્યારે આપણો કાયદો કહે છે કે ઓનલાઈન સિસ્ટમમાં થયેલી ભૂલને કારણે તમે છૂટાછેડા લઈ શકો છો, આ યોગ્ય નથી અને આ યોગ્ય ન્યાય નથી.

