Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : 17 major agreements signed between India and Netherlands, PM Modi supports opening of Hormuz

ભારત અને નેધરલેન્ડ વચ્ચે 17 મોટા કરારો પર કરાયા હસ્તાક્ષર, PM મોદીએ હોર્મુઝ ખોલવાની વાતને આપ્યું સમર્થન 

Timeછેલ્લું અપડેટ : 17 May 2026
લાઇવ ટીવીGoogle News
ભારત અને નેધરલેન્ડ વચ્ચે 17 મોટા કરારો પર કરાયા હસ્તાક્ષર, PM મોદીએ હોર્મુઝ ખોલવાની વાતને આપ્યું સમર્થન 
સોર્સ : GSTV

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના યુરોપ પ્રવાસ દરમિયાન ભારત અને નેધરલેન્ડ્સના સંબંધોને એક નવી ઊંચાઈ મળી છે. ધ હેગમાં શનિવારે યોજાયેલી બેઠકમાં પીએમ મોદી અને નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી રોબ જેટોને બંને દેશોના સંબંધોને "સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ" (વ્યૂહાત્મક ભાગીદારી) સુધી વધારવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન સંરક્ષણ, સેમિકન્ડક્ટર, ક્રિટિકલ મિનરલ્સ, ગ્રીન હાઇડ્રોજન, ઉર્જા, કૃષિ અને ટેકનોલોજી સહિતના અનેક મહત્વના ક્ષેત્રોમાં ૧૭ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

App Store

બેઠક બાદ જારી કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ (હોર્મુઝની સામુદ્રધુની)માં વધી રહેલા તણાવ અને વૈશ્વિક ઉર્જા પુરવઠા પર તેની અસરો અંગે બંને દેશોએ ચિંતા જાહેર કરી હતી.

પીએમ મોદી અને રોબ જેટોને જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર અવરોધ વિનાની અવરજવર અને વ્યાપાર સમગ્ર વિશ્વની આર્થિક સ્થિરતા માટે અત્યંત જરૂરી છે. બંને નેતાઓએ હોર્મુઝ સ્ટ્રેટમાં "ફ્રીડમ ઓફ નેવિગેશન" એટલે કે સુરક્ષિત અને ખુલ્લા દરિયાઈ માર્ગોનું સમર્થન કરવાની વાત કહી હતી.

આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેના તણાવને કારણે વૈશ્વિક તેલ પુરવઠા પર અસર પડી રહી છે. દુનિયાનો આશરે ૨૦ ટકા ઉર્જા પુરવઠો હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે, તેથી આ વિસ્તારમાં અસ્થિરતા સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય બનેલી છે.

પીએમ મોદીએ ડચ PM સાથે યુક્રેન યુદ્ધ પર ચર્ચા કરી

પીએમ મોદી અને જેટોને યુક્રેન યુદ્ધ પર પણ ચર્ચા કરી હતી. બંને નેતાઓએ કહ્યું હતું કે રશિયા-યુક્રેન સંઘર્ષનું સમાધાન માત્ર વાતચીત અને રાજદ્વારી પ્રયાસો (ડિપ્લોમસી) દ્વારા જ શક્ય છે. તેમણે સંયુક્ત રાષ્ટ્ર (UN) ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદાઓના સન્માનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

બેઠક દરમિયાન ભારત અને નેધરલેન્ડ્સે "સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ રોડમેપ" લોન્ચ કર્યો હતો, જેના દ્વારા વેપાર, સંરક્ષણ, ટેકનોલોજી અને ઇનોવેશનના ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત બનાવવામાં આવશે. બંને દેશોએ ગ્રીન હાઇડ્રોજનના વિકાસ માટે પણ એક મોટો રોડમેપ તૈયાર કર્યો છે.

સંરક્ષણ ક્ષેત્રમાં પણ ભારત-નેધરલેન્ડ્સે વધાર્યો સહયોગ

સંરક્ષણ ક્ષેત્રમાં પણ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. બંને દેશો ડિફેન્સ ઇન્ડસ્ટ્રિયલ રોડમેપ બનાવવા પર સહમત થયા છે, જેના હેઠળ સંયુક્ત રીતે સંરક્ષણ ઉપકરણો અને સિસ્ટમનું નિર્માણ કરી શકાશે. આમાં ટેકનોલોજી ટ્રાન્સફર અને જોઈન્ટ વેન્ચર પર પણ ફોકસ રહેશે.

સેમિકન્ડક્ટર સેક્ટરમાં સહયોગ વધારવા માટે નેધરલેન્ડ્સના "સેમિકોન કોમ્પિટન્સ સેન્ટર"ને ભારતીય સેમિકન્ડક્ટર મિશન સાથે જોડવાની પહેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સિવાય ક્રિટિકલ મિનરલ્સની સપ્લાય ચેઈન મજબૂત કરવા પર પણ સહમતિ સધાઈ હતી.

ભારત-નેધરલેન્ડ્સ વચ્ચે વધ્યો વેપાર

ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચેનો વેપાર સતત વધી રહ્યો છે. ૨૦૨૪-૨૫માં બંને દેશો વચ્ચેનો વેપાર ૨૭.૮ અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. નેધરલેન્ડ્સ ભારતમાં ચોથો સૌથી મોટો વિદેશી રોકાણકાર (FDI ઇન્વેસ્ટર) પણ છે. વળી, રોટરડેમ પોર્ટ ભારતીય નિકાસકારો માટે યુરોપનું મહત્વનું ગેટવે માનવામાં આવે છે.

આ દરમિયાન આતંકવાદના મુદ્દે પણ બંને દેશોએ એકજુથતા દર્શાવી હતી. નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રીએ પહલગામ આતંકવાદી હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરી હતી અને આતંકવાદ સામેની લડાઈમાં ભારત સાથે ઊભા રહેવાનો ભરોસો આપ્યો હતો. બંને નેતાઓએ કહ્યું કે આતંકવાદ સામે "ઝીરો ટોલરન્સ"ની નીતિ અપનાવવી જરૂરી છે અને આ મુદ્દે બેવડું વલણ હોવું જોઈએ નહીં.