VIDEO: નેપાળના ભયાનક પૂરમાં 160 લોકોના મોત, 800 થી વધુ લોકો ગુમ
નેપાળ-તિબેટ સરહદ નજીક ભોટેકોશી અને ત્રિશૂલી નદીઓમાં અચાનક આવેલી ભયાનક પૂરની વિનાશક લહેરોએ ભારે વિનાશ સર્જ્યો છે. આશરે 5,200 મીટરની ઊંચાઈ પર ગ્લેશિયરનો મોટો હિસ્સો તૂટી પડતાં બરફ, ખડકો અને કાંપનો મોટો જથ્થો અચાનક નદીમાં ધસી આવ્યો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 160 લોકોના મોત થયા છે અને 844 લોકો ગુમ થયાના અહેવાલ છે.
133 ભારતીય શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ ગુમ
ગુમ થયેલા લોકોમાં કૈલાશ માનસરોવર યાત્રાએ ગયેલા શ્રદ્ધાળુઓ સહિત ઓછામાં ઓછા 133 ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે. એક અહેવાલ અનુસાર, 59 શ્રદ્ધાળુઓ આ યાત્રા દરમિયાન સંપર્કવિહોણા બન્યા છે. પ્રભાવિત વિસ્તારોમાં સંદેશાવ્યવહાર ઠપ થઈ જતાં ભારતીયો વિશે માહિતી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.
ભારતીય રાજ્યો દ્વારા હેલ્પલાઈન શરૂ
રસ્તાઓ અને બ્રિજ ધોવાયા, સંપર્ક તૂટ્યો
નેપાળના રસુવા, નુવાકોટ અને ધાદિંગ જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત થયા છે. પૂરના તીવ્ર પ્રવાહમાં 19 પુલ અને 40 કિલોમીટર લાંબા રસ્તાઓ ધોવાઈ ગયા છે. આ સિવાય આશરે એક ડઝન જેટલા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે રાહત કામગીરીમાં અવરોધ ઊભો થયો છે.
ભારત તરફથી 10 ટન રાહત સામગ્રી રવાના
સંકટની આ ક્ષણમાં ભારતે નેપાળ પ્રત્યે મદદનો હાથ લંબાવ્યો છે. ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા 10 ટન માનવીય સહાય અને જરૂરી દવાઓ નેપાળ મોકલવામાં આવી છે. ભારતે તમામ શક્ય મદદ પૂરી પાડવાની ખાતરી આપી છે.
બિહારમાં હાઈ એલર્ટ: ગંડક બેરાજના 36 દરવાજા ખોલાયા
નેપાળની આ આપત્તિની અસર ભારત સુધી પહોંચવાની શક્યતા છે. નેપાળમાંથી આવતા પાણીને કારણે બિહાર સરકારે ગંડક નદીના જળસ્તર પર નજર રાખવાનું શરૂ કર્યું છે. સાવચેતીના ભાગરૂપે વાલ્મિકીનગર ગંડક બેરાજના તમામ 36 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે.
તિબેટમાં પણ વિનાશ: 3ના મોત, 265 ગુમ
આ કુદરતી આપત્તિથી ચીનનો તિબેટ વિસ્તાર પણ પ્રભાવિત થયો છે. સરહદ પાર ચીનના વિસ્તારોમાં 3 લોકોના મોત અને 265 લોકો ગુમ થયાના અહેવાલ છે. બંને દેશોની સરહદ પર બચાવ ટુકડીઓ ગુમ થયેલા લોકોની શોધખોળ કરી રહી છે.

