VIDEO: દ.આફ્રિકાના ડરબનમાં એક ઘરમાં ફાયરિંગ, 11 લોકોના મોત
દક્ષિણ આફ્રિકાના ડર્બન શહેર નજીક આવેલા એક રહેણાંક વિસ્તારમાં મંગળવારે મોડી રાત્રે સામૂહિક ગોળીબારની ઘટના બની છે. બંદૂકધારીઓએ એક ઘરમાં અચાનક ઘૂસીને ત્યાં હાજર લોકો પર અંધાધૂંધ ગોળીઓ ચલાવી દીધી, જેમાં ઓછામાં ઓછા 11 લોકોના કરુણ મોત થયા છે. આ ઘટના ડર્બન નજીક આવેલા ક્વામખૂતા ટાઉનશિપની છે. પોલીસના જણાવ્યા અનુસાર, મંગળવારે મોડી રાત્રે હથિયારબંધ હુમલાખોરોએ એક રહેણાંક ઘરને નિશાન બનાવ્યું અને અંદર હાજર લોકો પર અચાનક ધડાધડ ફાઇરિંગ શરૂ કરી દીધું. ગોળીબાર એટલો ભયાનક હતો કે 10 લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિએ દમ તોડી દીધો. હુમલાખોરોએ કોઈ તક આપ્યા વગર અંદર હાજર તમામ લોકો પર ગોળીઓનો વરસાદ કરી દીધો. આ લોહિયાળ રમતમાં મૃત્યુ પામેલી એકમાત્ર મહિલા ગર્ભવતી હતી. આ ભયાનક નરસંહાર પછી સમગ્ર વિસ્તારમાં શોક અને દહેશતનો માહોલ સર્જાયો છે.

