આ શેરમાર્કેટ છે, કેસિનો નહિ : જાણો, 93 ટકા વ્યક્તિગત ટ્રેડર્સે F&Oમાં નુકસાન કેમ કર્યુ
આજે નવી પેઢીના યુવા રોકાણકારો ઉત્સાહ સાથે માર્કેટમાં પ્રવેશી રહ્યા છે. તેઓ તેમના સ્માર્ટફોન દ્વારા જ બજારમાં ટ્રેડિંગ કરી રાતોરાત પૈસા કમાઈ લેવામાં સપના સેવી રહ્યા છે. ભારતીય શેરબજારો અન્ય ઊભરતાં બજારોની સરખામણીમાં મોંઘા છે, પરંતુ તેમ છતાં યુવા રોકાણકારોને આકર્ષી રહ્યાં છે, અને હોય પણ કેમ નહીં નિફ્ટી 50 ઇન્ડેક્સ 26000ની ઊંચી સપાટી અને સેન્સેક્સ 85000 પાર કરી ચુક્યો છે, શેરોમાં રેકોર્ડબ્રેક તેજી પણ જોવા મળી રહી છે. ચાલુ મહિને આઈપીઓ મામલે પણ છેલ્લા 14 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. કુલ 47 કંપનીઓનું લિસ્ટિંગ થયુ છે. લોકો શેર લાગે એટલે બખ્ખા જ હોય એમ માની આડેધડ તમામ આઈપીઓ ભરી રહ્યા છે. નજીકના ભૂતકાળનો રિલાયન્સ પાવર કે પેટીએમનો અનુભવ જાણે કે ભૂલાઈ ગયો છે. દેશના કરોડો યુવા રાતોરાત કરોડપતિ બનવાની લાલસામાં શેરબજારમાં પોતાની મોટી મૂડી લગાવી રહ્યા છે, અને તેજીના જનૂનમાં શેરબજાર જાણે કે કેસિનો બની ગયું છે.
કેપિટલ માર્કેટ્સ રેગ્યુલેટર સેબીના નવા અભ્યાસમાં ચોંકાવનારી અને ચિંતાજનક રીતે બહાર આવ્યું છે કે છેલ્લા ત્રણ વર્ષમાં વાયદાના જુગારમાં 1.32 કરોડ વ્યક્તિગત ટ્રેડર્સે 1.80 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. 2022થી 2024 દરમિયાન 93 ટકા ટ્રેડર્સે માથાદિઠ બે લાખ જેટલી નુકસાની વેઠી છે. સોદા ખર્ચ એડજસ્ટ કરતા જોઈએ તો માત્ર એક ટકા વ્યક્તિગત ટ્રેડર્સ જ સરેરાશ એકથી ત્રણ લાખ સુધીનો નફો કમાઈ શક્યાં છે. બીજી તરફ બ્રોકર્સ અને એક્ચસેન્જીસ કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. મોટા એકમો પણ અલ્ગો ટ્રેડિંગથી નફામાં રહ્યા છે. અમે આ અહેવાલમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જના ભૂતપૂર્વ ડિરેક્ટર અનિલ શાહ સહિતના એક્સપર્ટ સાથે વાત કરીને આ મુદ્દો સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
શા માટે વ્યક્તિગત ટ્રેડર્સ નુકસાન ભોગવી રહ્યા છે?
ટ્રેડિંગનું ભાવનાત્મક પાસું ઘણીવાર અસર કરે છે. જ્યારે બજાર પ્રતિકૂળ રીતે આગળ વધે છે, ત્યારે ઘણા યુવા ટ્રેડર્સ ખાસ કરીને જેઓ બિનઅનુભવી છે, તેઓ ગભરાઈ જાય છે અને ઉતાવળે માર્કેટમાંથી લેફ્ટ કરે છે, આ ગભરાટનું વેચાણ મોટાભાગે સૌથી ખરાબ સમયે થાય છે, જે નોંધપાત્ર નુકસાન તરફ દોરી જાય છે.અને ટ્રેડર્સને નુકસાન થાય છે.
બીજા કારણમાં મોટાભાગના યુવા વગર પૈસે શેર બજારમાં ટ્રેડિંગ કરવા માટે આવે છે અને ઇન્ટ્રા ડેમાં મોટું નુકસાન ભોગવે છે. 100માંથી 99 યુવાઓ આ જ રીતે શોર્ટકટ અપનાવે છે અને નુકસાની ભોગવે છે.
ક્યારેક ફેન્ટસી ક્રિકેટ તો ક્યારેક શેરબજારમાં જુગાર :
શું ટૂંકાગાળામાં લખલૂટ કમાઈ લેવાની આદત યુવાપેઢીને કરી રહી છે બરબાદ?
મંદિરમાં પૂજા કરતો પૂજારી પણ વર્ષો સુધી પૂજા કરે ત્યારે તેને લોકો માન-સન્માન અને દક્ષિણા આપે છે નવા આવેલા પૂજારીને આજ દક્ષિણ લેવા માટે વર્ષો સુધી રાહ જોવી પડે છે. બસ શેરબજારનું પણ આવું જ કઈક છે. અહીં તમારે સમય આપવો પડે છે.
ઘણા યુવાનો ટૂંકા સમયમાં પૈસા કમાવવા શોર્ટ અપનાવે છે. તાત્કાલિક પૈસા કમાવવા માટે શોર્ટકટ કોઇ છે જ નહિ. રાતોરાત લખપતિ બનવાની લાહ્યમાં આજના મોટા ભાગના યુવા ટ્રેડર્સ પોતાની મૂડી પણ ગુમાવી રહ્યા છે. શેર બજારમાં પણ ઇન્વેસ્ટ કરી રાહ જોવી પડે છે.
યુવા ટ્રેડર્સ જેની તરફ આકર્ષાઈ રહ્યા છે એ એફ એન્ડ ઓ સેગમેન્ટ શું છે?
ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) સેગમેન્ટ એ શેરબજારમાં ટ્રેડિંગનો એક માર્ગ છે. આમાં રોકાણકારો ઓછી મૂડીમાં પણ મોટી પોઝિશન લઈ શકે છે. F&O સ્ટોક ડેરિવેટિવ્ઝની શ્રેણી હેઠળ આવે છે.
- F&Oમાં ટ્રેડર પૂર્વનિર્ધારિત કિંમતે કરાર ખરીદે છે અથવા વેચે છે.
- F&Oમાં ટ્રેડર અન્ડરલાઇંગ એસેટ પર પૈસા ખર્ચવા પડતા નથી.
- F&Oમાં ટ્રેડર સ્ટોક બ્રોકરને માત્ર પ્રારંભિક માર્જિન ચૂકવવાનું હોય છે.
- F&Oમાં ઊંચા નફાની સંભાવના સાથે ઊંચું જોખમ પણ હોય છે.
- F&Oમાં જો શેરના ભાવ તમારી અપેક્ષા મુજબ ન વધે તો ભારે નુકસાન થઈ શકે છે.
- F&Oમાં વિકલ્પોમાં જોખમ ઓછું છે.
- F&Oમાં સ્ટોક એક્સચેન્જો બજારની સ્થિરતા જાળવવા માટે F&Oનો ઉપયોગ કરે છે.
- F&Oમાં વધુ પડતી અટકળો અને સ્ટોકમાં વોલેટિલિટીના કિસ્સામાં F&O કોન્ટ્રાક્ટ પ્રતિબંધિત થઈ શકે છે.
નવા અને નાના રોકાણકારોએ શું સાવચેતી રાખવી જોઈએ?
- શેરબજારમાં રોકાણ કરતા પહેલા નવા અને નાના રોકાણકારોએ કેટલીક સાવચેતી રાખવી જોઈએ.
- રોકાણ કરતાં પહેલા કંપનીની કામગીરી, બજારના વલણો અને અન્ય પરિબળો પર રિસર્ચ કરવું જોઈએ. માત્ર લાગણીઓના આધારે નિર્ણયો ન લેવા જોઈએ. નાણાકીય લક્ષ્યોના આધારે, રોકાણ માટે સમયસીમા નક્કી કરો. તમારા પોર્ટફોલિયોમાં લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક્સનું યોગ્ય પ્રમાણ રાખો.
- ખાતરી કરો કે તમારો બ્રોકર સેબી અને એક્સચેન્જમાં નોંધાયેલ છે.
- તમારી ક્ષમતા મુજબ રોકાણ કરો, ઉછીના લઈને નહીં
- તમારી ઉંમર, માન્યતાઓ, પ્રતિબદ્ધતાઓ અને આશ્રિતોના આધારે તમારૂ જોખમ નક્કી કરો.
- જે શેરમાં રોકાણ કરો છો તે કંપનીના વ્યવસાયના દરેક પાસાઓની તપાસ કરો.
- મોટા એકમો જેનાથી નફો કરે છે એ અલગો ટ્રેડિંગ મિકેનિઝમ શું છે?
મોટા એકમો જેનાથી કમાય છે એ અલ્ગો ટ્રેડિંગ શું છે
- અલ્ગોરિધમિક ટ્રેડિંગ, જેને અલ્ગો ટ્રેડિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે કમ્પ્યુટર પ્રોગ્રામ્સનો ઉપયોગ કરીને ટ્રેડિંગ કરવાની એક પદ્ધતિ છે. એટલે કે એક પ્રકારનું સોફ્ટવેર છે જેના દ્વારા ટ્રેડિંગ કરવામાં આવે છે. આમાં, કમ્પ્યુટરને પૂર્વનિર્ધારિત નિયમોનો સમૂહ આપવામાં આવે છે, જેના આધારે તે વેપાર કરે છે. અલ્ગો ટ્રેડિંગમાં, ટ્રેડિંગ વ્યૂહરચના ઓટોમેટેડ હોય છે. આમાં, ગાણિતિક મોડેલો અને જટિલ સૂત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. અલ્ગો ટ્રેડિંગનો ઉદ્દેશ્ય ટ્રેડિંગની કાર્યક્ષમતા અને અસરકારકતા વધારવાનો છે. અલ્ગો ટ્રેડિંગમાં, ટ્રેડ પર માનવ લાગણીઓની અસર થતી નથી.
- અલ્ગો ટ્રેડિંગમાં, સોદા ચલાવવા માટે કોમ્પ્યુટર પ્રોગ્રામમાં સૂચનાઓ અથવા અલ્ગોરિધમનો સમૂહ આપવામાં આવે છે.
- અલ્ગો ટ્રેડિંગમાં, ટ્રેડિંગ માટે Python, Java, C++ અને R જેવી ભાષાઓમાં કોડિંગ કરવામાં આવે છે.
- અલ્ગો ટ્રેડિંગમાં, ટ્રેડરે લાઇવ કિંમતો અને ગ્રાફનું નિરીક્ષણ કરવાની અથવા મેન્યુઅલી ઓર્ડર આપવાની જરૂર નથી. અલ્ગો ટ્રેડિંગમાં, ઇન્ડેક્સ ફંડ રિબેલેન્સિંગ દરમિયાન નફાકારક તકો ઊભી થાય છે.
વૉરેન બફેટની સોનેરી સલાહ
શેરબજારમાં વૉરેન બફેટથી મોટો તો કોઈ ઈન્વેસ્ટર છે જ નહિ ને... એ માણસે કહેલું કે મેં જ્યારે બાર-પંદર વર્ષની ઉંમરે જીવનનું પહેલુ રોકાણ કર્યું ત્યારે પણ એમ લાગેલું કે હું મોડો પડ્યો છું. બફેટ કહે છે કે, 'હું રોજબરોજના શેરબજારના ઉતાર-ચડાવની માથાકૂટમાં પડતો જ નથી. મજબૂત ફંડામેન્ટલ્સ ધરાવતી સારી સ્ક્રિપ્ટ પસંદ કરીને એમાં રોકાણ કરું છું બસ.' તમે કોઈ જમીન ખરીદો કે તમારા બાપ-દાદાએ જમીન કે સોનામાં રોકાણ કર્યું હોય પછી રોજ રોજ એના ભાવ ચેક કરતા રહે છે? ખરીદીને ભૂલી જાય છે ને? પછી વર્ષો બાદ એ જમીનની કિંમત સોનાની લગડી જેવી થઈ જ જાય છે ને? યાદ રાખો ઈન્વેસ્ટમેન્ટ અને જુગારમાં ફરક હોય છે. ઈન્વેસ્ટમેન્ટ કરો, જુગાર ન રમો.

