VIDEO: મહારાષ્ટ્રમાં રાજકીય ડ્રામા: શરદ પવાર અને ઉદ્ધવના સાંસદો કેમ છે નારાજ? 12 સાંસદોના પક્ષપલટા પર લાગી બ્રેક
VIDEO: મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને શિંદે જૂથની શિવસેના પાર્ટીના પ્રમુખ એકનાથ શિંદેએ ઓપરેશન ટાઈગર હેઠળ ઓપરેશન તુતારી ચલાવીને મોટી રાજકીય સોદાબાજીની તૈયારી કરી હતી. તેમનો હેતુ શરદ પવારના NCP-SP જૂથના 6 સાંસદો અને ઉદ્ધવ ઠાકરેના શિવસેનાજૂથના ૬ સાંસદોને પોતાના પક્ષમાં લાવવાનો હતો
શિંદે જૂથ પાસે 7 સાંસદો છે. જો આ પ્લાન સફળ થાય તો કુલ ૧૯ સાંસદોનું બળ મળે અને 2029ની લોકસભા ચૂંટણીમાં ઓછામાં ઓછી 19 બેઠકો પર દાવો કરી શકાય. આ રીતે શિંદે જૂથ મહાયુતિમાં પોતાની સોદાબાજીની તાકાત વધારવા માગતું હતું પરંતુ ભારતીય જનતા પાર્ટી હાઈકમાન્ડે આ પ્લાન પર સ્પષ્ટ ‘રેડ સિગ્નલ’ આપી દીધુ છે. ભાજપે શિંદેને સલાહ આપી છે કે NCP-SPના સાંસદોને સીધા તોડવાને બદલે તેમને સુનેત્રા પવારના જૂથ દ્વારા જ મહાયુતિમાં આવે.
દિલ્હીના પ્રવાસ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એકનાથ શિંદે સાથે મુલાકાત પણ ન કરી, જેનાથી સંકેત મળે છે કે ભાજપ હાલ આવી કોઈ અસ્થિરતા ઇચ્છતુ નથી.આ નિર્ણય પાછળ ભાજપની વ્યૂહરચના સ્પષ્ટ છે – તે મહાયુતિની અંદર સંતુલન જાળવવા માગે છે અને વિરોધી જૂથોના સાંસદોને તોડીને નહીં, પરંતુ વિશ્વાસમાં લઈને સુવ્યવસ્થિત રીતે પોતાની તરફ ખેંચવા માગે છે. ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારના સાંસદોમાં અસંતોષના કારણો પણ સામે આવ્યા છે – મહાયુતિ સરકાર આગામી પાંચ વર્ષ સ્થિર રહેવાની સંભાવના, વિકાસ કાર્યો માટે ભંડોળની અડચણ, કેન્દ્ર-રાજ્યમાં એકસૂત્રી સરકારનો લાભ અને પાર્ટીના ચિહ્ન કરતાં વ્યક્તિગત ભવિષ્ય વધુ મહત્ત્વનું બની રહ્યું છે.આ ઘટના મહારાષ્ટ્ર રાજકારણમાં એક મહત્ત્વનો વળાંક છે. તે દર્શાવે છે કે ભાજપ મહાયુતિમાં પોતાનું વર્ચસ્વ જાળવવા માગે છે અને શિંદેને સ્વતંત્ર રીતે મોટા પગલાં ભરવા દેવા માગતી નથી. આનાથી વિરોધ પક્ષોને અસ્થાયી રાહત મળી શકે છે, પરંતુ લાંબા ગાળે સાંસદોના અસંતોષને કારણે ફરી ફેરબદલી થવાની સંભાવના રહે છે.

