VIDEO: ANDARNI VAAT / ડોડામાં વાદળ ફાટતા જ પળવારમાં મકાનો અને દુકાનો કાદવના ઢગલામાં ફેરવાયા!
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાંથી આકાશી આફતનો એક ખૂબ જ ચિંતાજનક અને ભયાનક કિસ્સો સામે આવ્યો છે. ડોડાના ઠાઠરી વિસ્તારમાં અચાનક વાદળ ફાટવાની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. વાદળ ફાટવાના કારણે પહાડો પરથી સેકન્ડોમાં જ ધસમસતો પાણીનો પ્રવાહ, કાદવ અને તોતિંગ પથ્થરો નીચે રહેણાંક વિસ્તારો તરફ ધસી આવ્યા હતા. આ આકસ્મિક પૂરના જોરદાર પ્રવાહના કારણે ઠાઠરી વિસ્તારમાં આવેલા અનેક મકાનો અને દુકાનોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. સ્થાનિક લોકો કશું સમજે તે પહેલાં જ પૂરના પાણી ઘરોમાં ઘૂસી ગયા હતા, જેના લીધે ઘરવખરીનો સામાન તણાઈ ગયો હતો અને કાળી કમાણીથી ઊભા કરેલા આશરા પળવારમાં ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા.
કુદરતના આ રૌદ્ર પ્રકોપની ચપેટમાં માત્ર મકાનો જ નહીં, પરંતુ રસ્તા કિનારે પાર્ક કરેલા અનેક વાહનો પણ આવ્યા છે. પૂરના પ્રવાહ સાથે વહી આવેલા કાદવ અને પથ્થરોના કાટમાળ નીચે ઘણી કાર અને બાઇક દબાઈ ગયા છે, જ્યારે કેટલાક વાહનો પાણીના તેજ પ્રવાહમાં રમકડાની જેમ તણાયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે ભય અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રશાસન, સ્થાનિક પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કાટમાળ હટાવવાની સાથે પ્રભાવિત લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

