VIDEO: છેતરપિંડીમાં સંડોવાયેલા 9 હજારથી વધુ વોટ્સએપ એકાઉન્ટ બંધ કરાયા, સાયબર ક્રાઈમ વિરુદ્ધ સરકારની કાર્યવાહી
દેશમાં વધતા ડિજિટલ અરેસ્ટ કૌભાંડોને રોકવા માટે કેન્દ્ર સરકાર અને તેની અલગ અલગ એજન્સીઓ સક્રિય બની છે. જાન્યુઆરી 2026થી અત્યાર સુધીમાં છેતરપિંડીમાં સંડોવાયેલા લગભગ 9400 શંકાસ્પદ વોટ્સએપ એકાઉન્ટ બંધ કરી દેવાયા છે.
સુપ્રીમ કોર્ટને સોંપવામાં આવેલા એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ટેલિકોમ વિભાગ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને મોટી ટેક કંપનીઓ સાથે મળીને સરકાર સાયબર છેતરપિંડી વિરુદ્ધ સંયુક્ત અભિયાન ચલાવી રહી છે. ગૃહ મંત્રાલયના સાયબર ક્રાઈમ સેન્ટરના રિપોર્ટ અનુસાર જાન્યુઆરી 2026થી અત્યાર સુધીમાં છેતરપિંડીમાં સંડોવાયેલા લગભગ 9400 શંકાસ્પદ વોટ્સએપ એકાઉન્ટ બંધ કરી દીધા છે.
છેલ્લા 12 અઠવાડિયામાં જ આટલા એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે આ મામલે સ્વતઃ સંજ્ઞાન લીધું હતું અને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનેલા લોકોને વળતર આપવા માટે RBIને વ્યવસ્થા કરવાના આદેશ આપ્યા હતા. આઈટી મંત્રાલય વોટ્સએપ પર શંકાસ્પદ ગતિવિધિઓનું નિરીક્ષણ કરીને આખા નેટવર્કની તપાસ કરી હતી. સરકારે આ પગલાને સાયબર ગુના વિરુદ્ધ મોટી સફળતા ગણાવી છે. અધિકારીઓએ જણાવ્યું કે ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે આગામી દિવસોમાં પણ કડક દેખરેખ અને સતત કાર્યવાહી ચાલુ રહેશે.

