VIDEO: ANDAR NI VAAT/ અનંતનાગ અને પહેલગામમાં વાદળ ફાટવાથી ભારે તબાહી, અનેક કાર પાણીમાં તણાઈ
જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ વચ્ચે વાદળ ફાટવાની ઘટના બની છે. અનંતનાગ અને પહેલગામમાં વાદળ ફાટવાની ઘટના બાદ તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. વાદળ ફાટ્યા બાદ કાદવ કિચળને કારણે હોટલ સહિત વાહનોને ભારે નુકસાન થયુ છે. ભારે વરસાદની વચ્ચે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં વાદળ ફાટવાની ભયાનક ઘટના સામે આવી છે. અનંતનાગના ચિત્તરગુલ વિસ્તારના ઉપરના ભાગોમાં અચાનક વાદળ ફાટવાને કારણે પહાડો પરથી પ્રચંડ વેગ સાથે પાણી અને કાદવ-કીચડનો મલબો નીચે ધસી આવ્યો હતો. આ આકાશી આફત એટલી ઝડપી હતી કે જોતજોતામાં ચિત્તરગુલ વિસ્તારના રહેણાંક વિસ્તારો કાદવની ચાદર નીચે દટાઈ ગયા હતા. આ અણધારી હોનારતમાં સ્થાનિક લોકોના મકાનો, ખેતરો અને માળખાકીય સુવિધાઓને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ઘટનાની જાણ થતાં જ જિલ્લા વહીવટી તંત્ર અને ઇમરજન્સી રિસ્પોન્સ ટીમો પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને રાહત કામગીરી હાથ ધરવા માટે અસરગ્રસ્ત વિસ્તારમાં દોડી ગઈ હતી. જો કે, આ આપત્તિ વચ્ચે સ્થાનિક રહેવાસીઓમાં પ્રશાસન સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનો ગંભીર આરોપ છે કે જ્યારે શરૂઆતમાં તેમણે પહાડી વિસ્તારમાં થઈ રહેલી હલચલ અંગે પ્રશાસનને જાણ કરી હતી. ત્યારે અધિકારીઓએ તેને ગંભીરતાથી લીધી ન હતી. જો તંત્રએ સમયસર પગલાં ભર્યા હોત તો આટલા મોટા પાયે થયેલું નુકસાન ટાળી શકાયું હોત. હાલ સમગ્ર વિસ્તારમાં કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે.
જમ્મુ કાશ્મીરમાં અનંતનાગની સાથે વિશ્વપ્રસિદ્ધ પર્યટન સ્થળ પહેલગામમાં પણ વાદળ ફાટવાની ઘટનાએ ભારે હાહાકાર મચાવ્યો છે. પહેલગામના આવારા નાલા વિસ્તારમાં વાદળ ફાટવાના કારણે અચાનક પૂર ત્રાટક્યું હતું. પહાડો પરથી ધસી આવેલા પાણીના પ્રચંડ અને ધસમસતા પ્રવાહની સામે જે કંઈ પણ આવ્યું તે તણાઈ ગયું હતું. આ પૂરના વીડિયો અને દ્રશ્યો અત્યંત ભયાવહ છે. જેમાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકોની અનેક મોંઘીદાટ કારો કાગળની હોડીની જેમ પાણીના વહેણમાં તણાતી જોવા મળી હતી. આ આકાશી આફતને કારણે આવારા નાલા વિસ્તારના તમામ મુખ્ય રસ્તાઓ પથ્થરો અને કાદવ કીચડના કાટમાળ નીચે દટાઈ ગયા છે. જેના લીધે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. પૂરના પ્રવાહ સાથે આવેલા મલબાના કારણે રસ્તા પર પાર્ક કરેલા અસંખ્ય વાહનો કચડાઈ ગયા છે અને તેમને ભારે નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત, પર્યટન ક્ષેત્ર હોવાને કારણે આ વિસ્તારમાં આવેલી અનેક આધુનિક હોટલો અને ગેસ્ટ હાઉસમાં પણ પૂરના પાણી અને કાદવ ઘૂસી ગયા છે. જેનાથી હોટલ ઉદ્યોગને મોટું આર્થિક નુકસાન થયું છે. પ્રશાસન દ્વારા પ્રવાસીઓની સુરક્ષા માટે સમગ્ર વિસ્તારમાં બચાવ અભિયાન તેજ કરી દેવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ જીએસટીવી

