VIDEO: ANDAR NI VAAT/ આસામમાં બ્રહ્મપુત્રા નદીનું જળસ્તર વધ્યું, અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ
આસામમાં ચોમાસાનું આગમન ફરી એક વખત વિનાશક પૂરની સમસ્યા લઈને આવ્યું છે, જેના કારણે જનજીવન ભારે મુશ્કેલીમાં મુકાયું છે. આસામ સહિત ઉપરવાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા અતિ ભારે વરસાદને પગલે બ્રહ્મપુત્રા નદી ગાંડીતૂર બની છે અને તેના જળસ્તરમાં સતત જોખમી વધારો નોંધાઈ રહ્યો છે. પૂરના કારણે મોરીગાંવ, જોનાઈ, દીબ્રુગઢ અને ગુવાહાટી જેવા અનેક વિસ્તારોમાં ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને જોનાઈમાં પૂરના પાણી ફરી વળતા ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે; સેંકડો હેક્ટર ખેતીલાયક જમીન પાણીમાં ગરકાવ થઈ જતાં તૈયાર પાક નાશ પામ્યો છે, જેના કારણે ખેડૂતોની આજીવિકા સામે સંકટ ઊભું થયું છે. પૂરની આ અગમચેતીને પગલે સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે અને ગ્રામજનો સ્વબચાવના ભાગરૂપે બોટનું સમારકામ કરી રહ્યા છે, જેથી કટોકટીના સમયે સ્થળાંતર કરી શકાય.
બીજી તરફ, મોરીગાંવના માયોંગ વિસ્તારમાં પણ બ્રહ્મપુત્રા નદીનું જળસ્તર વધતા તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે. ગુવાહાટીમાં પણ નદીના વહેતા પ્રવાહ અને વધતા જળસ્તરને જોતા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને નદીના કિનારે ન જવાની કડક સૂચના આપવામાં આવી છે. અરુણાચલ પ્રદેશ અને આસામના ઉપરવાસના વિસ્તારોમાં સતત પડી રહેલા વરસાદને કારણે જળસ્તર હજુ પણ વધવાની શક્યતા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોને વિવિધ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે જેથી કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળી શકાય. પૂરને કારણે થયેલા નુકસાનનું આકલન કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. આસામ સરકાર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત છાવણીઓ ઊભી કરવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે, જ્યારે પૂરની સ્થિતિ પર સતત નજર રાખવા માટે કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરી હોવાથી નદી કિનારે રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા અને વહીવટી તંત્રના આદેશોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

