VIDEO : ઘરમાં પાર્ક કરેલી થાર ઓટો રિવર્સ થતાં મહિલા કચડાઈ, હૃદયદ્રાવક દૃશ્યો CCTVમાં કેદ
થાર અકસ્માતનો એક હૃદયદ્રાવક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક દાદીએ ઘરનો દરવાજો ખોલ્યો, પૌત્ર થાર ગાડી અંદર પાર્ક કરે છે અને અચાનક જ ચીસાચીસ થઈ જાય છે. યુવકે થાર ગાડી ઘરમાં પાર્ક કર્યા બાદ મહિલા જ્યારે ગેટ બંધ કરી રહી હોય છે, ત્યારે અચાનક થાર રિવર્સ થતાં મહિલા ચીસો પાડે છે, બૂમો પાડે છે, પરંતુ થાર ગાડીના ધક્કા સાથે મહિલા પાછળ ધકેલાય છે. આ દરમિયાન મહિલા થાર અને દીવાલ વચ્ચે સંપૂર્ણપણે દબાઈ જતાં ઘટનાસ્થળે દર્દનાક મોત થયું.
થાર અકસ્માતનો આ હૃદયદ્રાવક વીડિયો ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદ જિલ્લામાંથી સામે આવ્યો છે. ફર્રુખાબાદમાં થાર ગાડી પાર્ક કરતી વખતે થયેલી બેદરકારીને કારણે મહિલા કચડાઈ ગઈ હતી. ફર્રુખાબાદની આવાસ વિકાસ કોલોનીમાં ન્યૂ LIC બિલ્ડિંગની સામે આવેલી ગલીમાં થયો હતો. અકસ્માતમાં જીવ ગુમાવનાર મહિલાની ઓળખ 70 વર્ષીય સરલા કટિયાર તરીકે થઈ છે. તેઓ આરોગ્ય વિભાગમાંથી નિવૃત્ત હોવાનું જાણવા મળ્યું છે.
સરલા કટિયારનો પૌત્ર થાર ગાડી લઈને ઘરે આવ્યો હતો. મહિલા થાર પાર્ક કરવા માટે ઘરનો લોખંડની ગ્રીલવાળો દરવાજો ખોલે છે. થાર અંદર જાય છે. વીડિયો જોઈને લાગે છે કે બધું બરાબર છે, પરંતુ ત્યારે જ અચાનક મહિલાની ચીસ સંભળાય છે અને પછી થાર બેક ગિયરમાં પાછળ આવતા મહિલા તેની પાછળ જ રહી જાય છે. થાર પાછળ જઈને એક દીવાલ સાથે અથડાય છે. આ અકસ્માતમાં દીવાલ અને થાર વચ્ચે ફસાઈ જતાં વૃદ્ધાનું કરુણ મોત થયું હતું.

