કોઈના મૃત્યુ પર સફેદ કપડા જ કેમ પહેરવામાં આવે છે? જાણો આ પ્રથા પાછળનું કારણ

મૃત્યુ આપણા જીવનનું સૌથી કડવું સત્ય છે. જેને સૌએ સ્વીકારવું પડે છે. બાળક જ્યારે જન્મ લે છે ત્યારે તેની મૃત્યુ પણ એક દિવસ નિશ્ચિત છે. જીવનમાં હંમેશા આ સત્યને સ્વીકારીને આપણે સૌએ ચાલવું જોઈએ. તમે ઘણી વખત કોઈના બેસણામાં કે પછી કોઈની અંતિમ યાત્રામાં ગયા હશો તો ત્યાં તમે સફેદ કપડા પહેરીને ગયા હશો.
કોઈ પણ દુ:ખના પ્રસંગમાં આપણે જઈએ ત્યારે આપણે સફેદ કપડા પહેરીને જઈએ છીએ. જોકે તમે ક્યારેય પણ વિચાર્યું છે ખરું કે આવા દુ:ખના પ્રસંગમાં લોકો માત્ર સફેદ કપડા જ કેમ પહેરે છે? ખરેખરમાં આ વસ્તુ પાછળ એક ધાર્મિક મહત્વ અને માન્યતા છે.
આપણા સનાતન ધર્મમાં અંતિમ સંસ્કાર સમયે સફેદ વસ્ત્રો પહેરવાની પરંપરા ઘણી જૂની છે. એવું માનવામાં આવે છે કે સફેદ રંગ શાંતિ, પવિત્રતા અને આધ્યાત્મિક ઊર્જાનો પ્રતીક છે. જેથી આવા દુ:ખદ પ્રસંગે આપણે સૌ સફેદ કપડા પહેરીએ છીએ.
સફેદ કપડા પહેરવાનો ઉદ્દેશ્ય મનને શાંત રાખવાનો અને દુ:ખની ઘડીમાં પરિવારને માનસિક શાંતિ આપવાનો હોય છે. હિન્દુ ધર્મમાં સત્ય, જ્ઞાન અને સદ્ભાવને જીવનના 3 પ્રમુખ ગુણ જણાવવામાં આવ્યા છે. જેમાં સફેદ રંગ તેમનું પ્રતિનિધિત્વ કરે છે.
એવું માનવામાં આવે છે કે મૃત્યુ બાદ આત્મા નવા સફરની શરૂઆત કરે છે. જેથી સફેદ વસ્ત્ર પહેરીને પરિવારજનો વાતાવરણને શાંત અને પવિત્ર રાખે છે. જેથી મૃત્યુ પામનાર આત્માને શાંતિનો અનુભવ થઈ શકે.

