ઉનાળામાં છોડને પાણી આપવાનો સાચો સમય કયો? જાણો તમારા ગાર્ડનને લીલુંછમ રાખવાની ટિપ્સ

જો તમને પણ ગાર્ડનિંગનો શોખ હોય અને તમે તમારી બાલ્કની કે છત પર છોડ લગાવ્યા હોય, તો એક વાતને લઈને હંમેશા મૂંઝવણ રહેતી હશે કે છોડને પાણી આપવાનો સાચો સમય કયો છે? ખાસ કરીને ઉનાળાની ગરમીમાં છોડને ક્યારે પાણી આપવું જોઈએ જેથી તે સુકાઈ ન જાય? કેટલાક લોકો સાંજે પાણી આપવું યોગ્ય માને છે, તો કેટલાક બપોરે કે સવારે. જો ખોટા સમયે પાણી આપવામાં આવે તો છોડ કરમાઈ શકે છે. તો ચાલો જાણીએ ઉનાળામાં છોડને હર્યા-ભર્યા રાખવાનું સિક્રેટ.
ઉનાળામાં સવારે પાણી આપવું યોગ્ય છે કે નહીં?
ઘણા લોકો સવારે ઉઠતાની સાથે જ છોડને પાણી આપે છે. જણાવી દઈએ કે છોડને પાણી આપવાનો આ સૌથી શ્રેષ્ઠ સમય છે. ઉનાળામાં જો તમે તડકો નીકળતા પહેલા સવારે 6 થી 8 વાગ્યાની વચ્ચે પાણી આપો છો, તો તે છોડના વિકાસ માટે ખૂબ જ સારું રહે છે. આ સમયે વાતાવરણ ઠંડું હોવાથી છોડના મૂળ પાણીને સારી રીતે શોષી શકે છે અને તેમને આખો દિવસ ગરમી સહન કરવાની શક્તિ મળે છે.
બપોરના સમયે ભૂલથી પણ પાણી ન આપશો
ઉનાળામાં બપોરે કડક તડકો હોય છે. કેટલાક લોકો એવું વિચારીને બપોરે પાણી નાખે છે કે છોડને ઠંડક મળશે, પરંતુ હકીકતમાં તેનાથી ઉલટું થાય છે. જો તમે ધોમધખતા તડકામાં પાણી આપો છો, તો તેનાથી છોડના મૂળ બળવા લાગે છે. ગરમીને કારણે પાણી મૂળ સુધી પહોંચતા પહેલા જ વરાળ બની જાય છે અને પાંદડા ખરવા લાગે છે. તેથી સવારે 8 વાગ્યા પછી ક્યારેય પાણી ન આપવું.
શું સાંજે પાણી આપી શકાય?
હા, ઉનાળામાં સાંજનો સમય પણ પાણી આપવા માટે સારો માનવામાં આવે છે. જો તમને સવારે સમય ન મળતો હોય, તો તમે સૂર્યાસ્ત પછી એટલે કે સાંજે ૬ વાગ્યા પછી આરામથી પાણી આપી શકો છો. આનાથી છોડમાં ભેજ જળવાઈ રહે છે અને તેમની વૃદ્ધિ સારી થાય છે.
શું છોડને રોજ પાણી આપવું જરૂરી છે?
દરેક છોડની જરૂરિયાત અલગ-અલગ હોય છે. કેટલાક છોડને રોજ પાણીની જરૂર હોય છે, તો કેટલાકને બે દિવસે એકવાર. પાણી આપતા પહેલા કુંડાની માટી ચેક કરો. જો માટી સુકાઈ ગઈ હોય તો જ પાણી આપો. વધુ પડતો ભેજ પણ છોડને બગાડી શકે છે, તેથી જરૂરિયાત મુજબ જ પાણી આપવું હિતાવહ છે.

