VIDEO: VIRAL / કોન્ફિડન્સ હોય તો આવો! દાર્જિલિંગમાં ટોય ટ્રેન સાથે ભટકાઈ કાર, ડ્રાઈવર બોલ્યો- ‘ટ્રેન જ રોન્ગ સાઈડથી આવતી હતી’
જરા વિચારો, જો કોઈ વ્યક્તિ પોતાની ગાડી રેલવે ટ્રેક પર પાર્ક કરી દે અને જ્યારે ટ્રેન આવીને તેને અડી જાય, ત્યારે તે ટ્રેનના ડ્રાઈવર સાથે જ લડવા લાગે કે 'તું રોન્ગ સાઈડ (ખોટી દિશા) માંથી આવે છે...' સાંભળીને હસવું આવે છે ને? પરંતુ પશ્ચિમ બંગાળના હિલ સ્ટેશન દાર્જિલિંગમાં આવું ખરેખર બન્યું છે. સોશિયલ મીડિયા પર આજકાલ એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ટેક્સી ડ્રાઈવરે ટોય ટ્રેનના પાયલટ પર જ 'રોન્ગ સાઈડ' ગાડી ચલાવવાનો આરોપ લગાવી દીધો!
રેલવે ટ્રેક પર રોન્ગ સાઈડનો અનોખો દાવો
આ ઘટના ત્યારે બની જ્યારે દાર્જિલિંગની ઐતિહાસિક ટોય ટ્રેન પોતાના નિયત રૂટ પરથી પસાર થઈ રહી હતી. ત્યારે રસ્તામાં પટરીઓની એકદમ નજીક પાર્ક કરેલી એક મહિન્દ્રા સુમો કાર સાથે ટ્રેનનો એક ભાગ ઘસાઈ ગયો. ટક્કર થતાં જ ટ્રેનને રોકવી પડી હતી. આ પછી જે થયું તેણે ત્યાં હાજર સૌને ચોંકાવી દીધા. કારનો ડ્રાઈવર તરત જ બહાર આવ્યો અને લોકો પાયલટ પર બૂમો પાડવા લાગ્યો. ટ્રાફિક નિયમોનો હવાલો આપીને તે સતત દલીલ કરી રહ્યો હતો કે ટ્રેન ખોટી સાઈડમાં ચાલી રહી હતી. આજુબાજુથી પસાર થતા લોકોએ ટેક્સી ડ્રાઈવરને સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો કે 'ભાઈ, ટ્રેન તો પટરી પર જ ચાલે', પણ ડ્રાઈવર પોતાની વાત પર અડગ રહ્યો.
પોલીસે કાર જપ્ત કરી, ડ્રાઈવર સામે ગુનો દાખલ
રિપોર્ટ્સ અનુસાર, આ આખા ડ્રામા પછી સ્થાનિક રેલવે સત્તાવાળાઓ અને પોલીસને આ મામલાની જાણ કરવામાં આવી હતી. તપાસમાં સ્પષ્ટ થયું કે ટેક્સી ડ્રાઈવરે બેદરકારી દાખવીને પોતાની ગાડી ગેરકાયદેસર રીતે પટરીની એકદમ નજીક પાર્ક કરી હતી. સુરક્ષા સાથે ચેડા કરવા અને રેલવેના કામમાં અવરોધ ઊભો કરવાના આરોપસર પોલીસે તાત્કાલિક એક્શન લઈને મહિન્દ્રા સુમોને જપ્ત કરી લીધી છે. આ સાથે જ આરોપી ડ્રાઈવર વિરૂદ્ધ કાયદેસરનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે.
100 વર્ષથી ફિક્સ છે ટોય ટ્રેનનો ટ્રેક
દાર્જિલિંગની આ ટોય ટ્રેન કોઈ સામાન્ય ટ્રેન નથી, પરંતુ એક ઐતિહાસિક ધરોહર છે જે છેલ્લા 100 વર્ષથી પણ વધુ સમયથી એક જ ફિક્સ ટ્રેક પર ચાલી રહી છે. રોડ પર ચાલતા વાહનોથી વિપરીત ટ્રેનમાં કોઈ સ્ટીયરિંગ વ્હીલ હોતું નથી કે તે સામે અચાનક આવેલી અડચણને જોઈને પોતાનો રસ્તો બદલી શકે.

