VIDEO : ચંદ્ર સુધી પહોંચતી સરકાર પ્રસૂતિની પીડા સહન કરતી મહિલાની સુવિધા પૂરી પાડવામાં સદતંર નિષ્ફળ
મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં આરોગ્ય વિભાગની પોલ ખોલતી એક વિડિયો સામે આવ્યો છે. છતરપુર જિલ્લાના ચાંદલા વોર્ડ નંબર 4માં એક વ્યક્તિ તેની ગર્ભવતી પત્નીને પ્રસૂતિ પીડા થતાં તેને લારી પર હોસ્પિટલ લાવ્યો હતો. હદ ત્યારે થઈ જ્યારે હોસ્પિટલના સ્ટાફે તેને ડૉક્ટર ન હોવાનું કહીને રાત્રે 8:00 વાગ્યે આવવાની વાત કહેતા પાછા વાળી દીધાં. ત્યારબાદ પતિ તેની પત્નીને તે જ લારી પર ઘરે પાછો લાવ્યો. આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ ઘટના છતરપુર જિલ્લાના ચાંદલા વિધાનસભા મતવિસ્તારના વોર્ડ નંબર 4 માં બની હતી. મહિલા 9 મહિનાની ગર્ભવતી હતી. જ્યારે તેને પ્રસૂતિ પીડા શરૂ થઈ ત્યારે તેના પતિએ એમ્બ્યુલન્સ બોલાવા માટે ઘણી વાર ફોન કરવા છતાં પણ જનની એક્સપ્રેસ ન પહોંચી, ત્યારે પતિ તેની પત્નીને લારી પર હોસ્પિટલ લઈ જવા મજબૂર થયો હતો. પતિએ કહ્યું કે તેણે જનની એક્સપ્રેસ અને એમ્બ્યુલન્સને ઘણી વાર ફોન કર્યો હતો પરંતુ કોઈ આવ્યું નહીં.
પતિએ કહ્યું કે તેની પત્ની ખૂબ પીડામાં હતી. તે કંઈ વિચારી શકતો ન હતો તેથી તેને લારીમાં હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી. પતિએ એમ પણ કહ્યું કે હોસ્પિટલમાં પહોંચ્યા પછી તેને ખબર પડી કે ડૉક્ટર ત્યાં નથી. હોસ્પિટલના સ્ટાફે તેને રાત્રે 8 વાગ્યે આવવાનું કહ્યું. પછી તેને પાછો મોકલી દેવામાં આવ્યો. આ પછી પતિને તેની પત્નીને તે જ લારીમાં બેસાડીને ઘરે લાવવાની ફરજ પડી.
ચાંદલા વિધાનસભા મતવિસ્તાર વન અને પર્યાવરણ રાજ્યમંત્રી દિલીપ અહિરવારનો મતવિસ્તાર છે. આ ઘટના એવા સમયે પ્રકાશમાં આવી છે જ્યારે એક દિવસ પહેલા જ સીએમ મોહન યાદવે છતરપુરમાં એક કાર્યક્રમમાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સની જાહેરાત કરી હતી. આ ઘટનાનો વિડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાએ જિલ્લાના આરોગ્ય વિભાગના તમામ દાવાઓનો પર્દાફાશ કરી દીધો છે.

